નવી દિલ્હીઃ બેન્કોમાં ડિપોઝિટની વૃદ્ધિની ઝડપ ઘટવાથી દેશના બેન્ક અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઘમસાણ મચ્યું છે. બેન્કોમાં સતત ડિપોઝિટનું લેવલ ઘટતું જઈ રહ્યું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારો દ્વારા કરવામાં આવતા મૂડીરોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં બેન્કોની ડિપોઝિટની વૃદ્ધિમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. RBIના તાજા ડેટા મુજબ જૂન, 2024માં પૂરા થયેલા ત્રિમાસિકમાં ડિપોઝિટ 11.7 ટકાના દરે વધી હતી, જ્યારે બેન્કની ક્રેડિટમાં 15 ટકાનો વધારો થયો હતો. ડિપોઝિટ અને ક્રેડિટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેપ આવ્યો છે. આ વધતા ગેપને કારણે સરકાર અને RBIની ચિંતા વધી છે.
બેન્કોમાં ડિપોઝિટ ગ્રોથ ઓછો થવાનું એક સૌથી કારણ મોટું કારણ લોકો દ્વારા બચતોનું બેન્કોની જગ્યાએ કેપિટલ માર્કેટમાં મૂડીરોકાણ કરવાનું છે. કોવિડ રોગચાળા પછી કેપિટલ માર્કેટમાં સીધી કે પરોક્ષ રીતે રિટેલ કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે.
વર્ષ 2024માં NSDL અને CDSLમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધીને 17 કરોડે પહોંચી છે, જે 2023માં 11.45 કરોડ હતો. બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) જુલાઈ, 2024 સુધીમાં 6.23 ટકા વધીને 64.97 લાખ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. વળી, MF સેગમેન્ટમાં હાલ 9.33 કરોડ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અકાઉન્ટ્સ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિત રીતે યોજનાઓમાં રોકાણ કરે છે.
જોકે બીજી બાજુ, 99 ટકા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો કોઈ રિસર્ચ કર્યા વગર આડેધડ SIPમાં મૂડીરોકાણ કરે છે. જેનાં જોખમ ભર્યાં પરિણામો આવી શકે છે.