નવી દિલ્હીઃ ઈડીએ એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. ઈડીએ આ ચાર્જશીટ પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરી છે.આ ચાર્જશીટમાં કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અંતર્ગત અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તો સાથે જ ચાર્જશીટમાં ઘણીવાર પી ચિદમ્બરમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચાર્જશીટ અનુસાર આ મામલે ઈડીએ કુલ 1.16 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે જેમાંથી આશરે 26 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે છે. તો કાર્તિ ચિદમ્બરમનું એક એકાઉન્ટ પણ સીલ કરવામાં આવ્યું છે જેમાં 90 લાખ રૂપીયા જમા છે. તો આ સીવાય કાર્તિના એક અન્ય એકાઉન્ટને ઈડીએ જપ્ત કર્યું છે.
આ પહેલા મંગળવારે એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે ઈડીએ પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમની બીજીવાર 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. જો કે ચિદમ્બરમે એકવાર ફરીથી જણાવ્યું છે કે મેં કોઈ જ ગુનો નથી કર્યો. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમના પુત્ર કાર્તિની પણ ઈડી દ્વારા બે વાર પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.