નાણાં પ્રધાને આ બજેટ મારફત ઉદારીકરણ અને સુધારાલક્ષી પગલાં ભર્યા છે. જેમાં વિદેશી રોકાણકારોને અપાયેલી સુવિધા, તેમના ધોરણોને ઉદાર બનાવવાની જાહેરાત, રોજગાર સર્જન માટેના કદમ, સીધા વિદેશી રોકાણ આકર્ષવાની નીતિ, ખાનગીકરણને વેગ, ટેકનોલોજીના અમલ માટેની સક્રિય તૈયારી, વગેરે જેવા અનેક પગલાંનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બજેટે ઈલેકટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરેલી રાહતો પણ સાચી દિશાનું પગલું કહી શકાય. રેન્ટલ હાઉસિંગનો ખયાલ પણ ઉત્તમ કહી શકાય. ઈન્વેસ્ટમેન્ટ વધારવાનો વ્યુહ ડિમાંડ અને રોજગાર સર્જન કરશે. આ બજેટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પ્રતિક છે.
સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર પર મોટેપાયે ખર્ચ કરવા માગે છે એ આવકાર્ય છે.એફોર્ડેબલ હાઉસિંગ, વન નેશન વન ગ્રીડ (પાવર માટે), રેલ્વેમાં ખાનગીકરણનો પ્લાન , વગેરે જેવી દરખાસ્તો ઈકોનોમીને વેગ આપતી બાબત છે. માઈક્રો, સ્મોલ, મિડીયમ એન્ટરપ્રાઈસિસ માટે લોન સુવિધા વધારીને સરકારે આ સેકટરને મહત્ત્વનું બુસ્ટ આપ્યું છે. આ ઉપરાંત નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઝ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે પણ બજેટે વ્યવહારું પગલાં ભર્યા છે. ઈન્વેસ્ટમેન્ટને વેગ આપવા સરકારે વિવિધ કદમ ઉઠાવ્યા છે, જેનું પરિણામ આ વરસે મળવાની આશા રાખી શકાય.