બજેટ-૨૦૧૯ સમીક્ષાઃ ‘ટૂકડે – ટૂકડે’ રાહત ને ઘા જનોઈ-વઢ!

અનિલ પટેલ (વરિષ્ઠ બિઝનેસ પત્રકાર, શેરબજારના નિષ્ણાત)

મોદી સરકારની બીજી ઈનિંગનું પ્રથમ બજેટ રજૂ થઈ ગયું છે. બજેટમાં વાતો તો ઘણી સારી છે, રાબેતા મુજબ અને તેને લઈને વાહ-વાહી પણ શરૂ થઈ ગઈ છે, રાબેતા મુજબ વર્ષ 2019-20ના આ બજેટમાં નવા નાણાપ્રધાન મેડમ નિર્મલા સિતારામને નવું કંઈ જ નથી કર્યું, જેબ લુંટી લેવાની પુરોગામી પરંપરાને આગળ ધપાવી છે. આભાસી અને ઉપર-છલ્લી, ટુકડે-ટુકડે ખૈરાત કરીને જનોઈ વઢ ઘાવ દીધા છે.

અર્થતંત્રની હાલત નાજુક છે. રોજગારી સર્જન અને મૂડીરોકાણ ખાડે ગયાં છે. કૃત્રિ ક્ષેત્ર અને કિસાન ભયંકર તનાવમાં છે. આર્થિક વિકાસનો મહત્ત્વનો માપદંડ ગણાતા ઓટોમોબાઈલ સેક્ટરમાં વેચાણ ઘટવા માંડયું છે. ડીલર્સ પાસે હજારો હજારો કરોડનો માલ ભરાવો થઈ ગયો છે. રીઅલ્ટી સેક્ટરમાં ય આવી, કદાચ આનાથી વધુ બદતર સ્થિતિ છે.

આર્થિક સર્વેના જણાવ્યા પ્રમાણે સરકારની મહેસુલી આવક અંદાજ કરતાં લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા ઓછી રહી છે. નવું મૂડી રોકાણ એટલે કે ગ્રોસ કેપિટલ ફોર્મેશનનો રેટ એકધારો ગગડતો રહી લગભગ 28 ટકાના ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે. બેરોજગારી 45 વર્ષની ઊંચી સપાટીએ છે. બસ એક માત્ર શેરબજાર જોરમાં છે. બજાર નવા વિક્રમ સાથે `40′ વટાવી ગયું છે.  જોકે ગામનો પોર્ટફોલિયો 20-30-40 ટકા ધોવાઈ ગયો એ વાત જુદી છે. આભાસી દુનિયા કે વર્ચ્યુઅલ રિઆલિટીનો ખેલ અને ખેલાડીઓની કલામ છે.

મેડમ નિર્મલા સિતારામન નાણાપ્રધાન તરીકે નામ ઉજાળે એવી અમને જરાય આશા ન હતી, છે પણ નહિ અને રહેશે ય નહિ.  નિર્મલા સીતારામન મિડિયોક્રસીના મામલે પુરાગામી અરૂણ જેટલી કરતાંય જાય એવાં છે. બજેટ – પ્રવચનમાં મજા કેમ ના આવી, બજેટ જેવું કંઈ લાગ્યું જ નહિ બધું એકમદમ સાવ સપાટ કેમ – આ બધા સવાલોનો જવાબ અહીં છે! મેડમ ફાઈનાન્સ મિનિસ્ટરે બજેટ એલોકેશન કે અંદાજપત્રીય ફાળવણી વિષે કશું જ ન જણાવી તેમની ટેલેન્ટનું એક વરવું પાસું દર્શાવ્યું છે. બેરોજગારી, મૂડીરોકાણ, રૂરલ સ્ટ્રેસ, નિકાસ ક્ષેત્રે નબળાઈ, ખાડે ગયેલી બેન્કો, ઔદ્યોગિક મોરચે હતાશા ઈત્યાદીનો નક્કર અને ટકાઉ ઉપાય બજેટમાં તદૃન ગેરહાજર છે.

ડાઈવેસ્ટમેન્ટ માટે એક લાખ પાંચ હજાર કરોડનું ટાર્ગેટ રખાયું છે. આ ટાર્ગેટ પણ અગાઉની જેમ પુરો કરાશે. ડીસઈન્વેસ્ટમેન્ટના નામે બુક એન્ટ્રીની હેરફેર કરવાની રમતમાં સરકાર પાવરધી થઈ ગઈ છે. ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. ડીડક્શનની જોગવાઈ મારફત વ્યક્તિગત કરદાતાઓને જો અને તો ની શરતી રાહત આપી કામ ચલાવાયું છે.

સરકાર કાળાનાણાને ખતમ કરવા માગે છે. એવું જોર-શોરથી વગાઈ વગાડીને કહેવાય છે. સ્ટાર્ટ-અપ્સને તેઓ ક્યાંથી નાણા લાવ્યા તેની કોઈ પૂછપરછ નહિ કરવાની બજેટમાં જોગવાઈ કરી દેવાઈ છે. એટલું જ નહિ સ્ટાર્ટ-અપ્સને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાંથી પણ મુક્તિ આપી દેવાઈ છે. મતલબ કે હવે સ્ટાર્ટ-અપ્સનો રાફડો ફાટશે. જેમાં કાળાનાણાની ઉધઈનો જબરો ઉછેર થશે એ કેહવાની જરૂર નથી. સોના પરની આયાત જકાત વધારી દેવાઈ છે. મેડમે મંગલસુત્ર મોંઘા બનાવી દીધા છે જેનો લાભ દાણચોરો ખાટશે.

લિસ્ટેડ કંપનીઓના મામલે મિનીમમ પબ્લિક હોલ્ડિંગની લિમિટ 25થી વધારી 35 ટકા થઈ છે. એક અંદાજ પ્રમાણે  કમસેકમ 1200 જેટલી કંપનીઓના પ્રમોટરોને તેમનું હોલ્ડિંગ ઘટાડવા બજારમાં આવવું પડશે. કમસેકમ ચાર લાખ કરોડ રૂપિયાનો માલ બજારમાં ઠલવાશે ફ્લોટિંગ સ્ટોક વધશે. સરવાળે બજારમાં શેરના ભાવ ઘટશે. સાથે-સાથે મ્યુ. ફંડોની NAV પણ ઘટશે. ગામનો પોર્ટફોલિયો ધોવાશે.

પેટ્રોલ – ડીઝલ લીટરદીઠ બે રૂપિયા મોંઘા થયાં છે. આની સાથે જ ટ્રાન્સપોર્ટેશન અને જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધશે. રેલવે ડીઝલના ભાવ વધારાનો બોજ નૂર ભાડા અને પેસેન્જર ભાડા વધારી સરભર કરશે. કોલસો મોંઘો થતાં પાવર કંપનીઓ ટેરિફ વધારશે. વધવું એક એવી ક્રિયાપદ છે યાર, એક વધે એટલે તેની હારમાળા ચાલુ થઈ જાય. સરવાળે બધો ભાર પ્રજાની કેડ ઉપર જ જવાનો….

આ બજેટ પછી ક્રિષ્ણ દવેની કેટલીક પંક્તિ યાદ આવી જાય છે.

કામ કરો છો ન કરવાના,

આવા ઊંડા ઘગા કરવાના?

એને શું પૂછો છો સઘળું

એ તો હા જી હા કરવાના!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]