બજેટ-૨૦૧૯ સમીક્ષાઃ સ્ટાર્ટ-અપ ક્ષેત્રે પ્રોત્સાહક પગલાં

 સ્નેહલ મુઝુમદાર (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

નિર્મલા સીતારામનના આ પ્રથમ અંદાજપત્રમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્ર માટે કેટલાંક આવકારદાયક સુધારાઓ સૂચવાયા છે. કેટલાંક વર્ષોથી સ્ટાર્ટ-અપ ક્ષેત્ર માટે રાહતો જાહેર કરવામાં આવી હતી પરંતુ વાસ્તવિક સ્તરે આ ક્ષેત્રને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહ્યો છે, જેમાં આવકવેરા ધારા હેઠળ આકારણીની પ્રક્રિયા, શેરનું મૂલ્યાંકન વગેરે અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ કારણોસર ભૂતકાળમાં કેટલાંક સ્ટાર્ટ-અપ વિદેશમાં જઈને ધંધો શરૂ કરતા હોવાના પણ દાખલાઓ છે. આ અંદાજપત્રમાં આવકવેરા ધારામાં આ ક્ષેત્ર માટે અનેક સુધારાઓ સૂચિત કરવામાં આવ્યા છે, જે પગલાં સ્ટાર્ટ-અપ માટે પ્રેરણાદાયક છે.

વ્યક્તિગત અને કોર્પોરેટ કરવેરા ક્ષેત્રે મોટા ફેરફારો તો આમ પણ અપેક્ષિત ન હતા કારણ કે ચૂંટણી પહેલાના વચગાળાના અંદાજપત્રમાં અનેક રાહતો આપવામાં આવી હતી અને અગાઉ નિમાયેલી ડાયરેક્ટ ટેક્સ કોડ અંગેની કમિટીનો અહેવાલ પણ આ માસના અંત સુધીમાં અપેક્ષિત છે. ધનવાનોની આવક પર લાગતા આવકવેરાના સરચાર્જમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે અને રૂ.7 કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાનો આવકવેરા અને સરચાર્જ મળીને 40 ટકાથી વધુ દર થશે. એની સામે રૂ.400 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે આવકવેરા ધારાનો દર ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે જે આંતરરાષ્ટ્રીય કર માળખાની સરખામણીમાં વધુ બંધ બેસતો છે. વિદેશીવાસીઓને ભેટ તરીકે અપાતી ચૂકવણી અંગે તેમ જ બેનામી અને બ્લેક મની ધારા હેઠળ કેટલાંક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સસ્તા ઘરો અંગેની લોન પરના વ્યાજને કપાત તરીકે લેવાની જોગવાઈમાં આવકારદાયક સુધારા કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]