અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ઘરેલુ શેરબજારોએ વધાવી લીધી છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ને સેન્સેક્સ જોરદાર તેજી સાથે બંધ થયા હતા. BSEનાં બધાં સેક્ટરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીનું વલણ જોવા મળ્યું હતું. સૌથી વધુ IT શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી IT ઇન્ડેક્સમાં ચાર મહિનામાં સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો હતો.
ટ્રમ્પની જીતથી ભારતીય ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને લાભ થવાની અપેક્ષા છે. ટ્રમ્પની જીતથી ડોલર મજબૂત થશે. એને લીધે IT કંપનીઓનાં માર્જિન સુધરશે. ટ્રમ્પના રાજમાં કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકાવાની શક્યતા છે. ટેક્સમાં ખર્ચ થવાથી US કંપનીઓ ખર્ચ વધારશે. જેથી IT સેક્ટરને લાભ થશે.સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 902 પોઇન્ટ ઊછળી 80,378 પર બંધ થયો હતો. નિફ્ટી 277 પોઇન્ટના ઉછાળા સાથે 24,484ના સ્તરે બંધ થયો હતો. મિડકેપ 1240 પોઇન્ટ વધીને 57,356 અને નિપ્ટી બેન્ક 110 પોઇન્ટ વધીને 52,317ના સ્તરે બંધ થયો હતો.
અમેરિકામાં ટ્રમ્પના રાજમાં અમેરિકાની વેપાર ખાધ ઘટે એવી સંભાવના છે, કેમ કે ટ્રમ્પ આયાતી દરોમાં વધારો કરવાની ધારણા છે. જેનાથી વેપાર ખાધ ઘટશે. આને પગલે આયાતી માલસામાન વધુ મોંઘો બનતાં ફુગાવો વધવાનું જોખમ છે. જેને પગલે US ફેડ રિઝર્વ વ્યાજદરની સાઇકલમાં કાપની સાઇકલમાં વિલંબ થશે, એમ બજારના નિષ્ણાતનું કહેવું છે.
BSE એક્સચેન્જ પર કુલ 4063 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 3013 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 961 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 89 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 237 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 12 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.