નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોની વચ્ચે ઘરેલુ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને US દરોની ચિંતાઓને કારણે શેરબજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 550 પોઇન્ટ તૂટીને 66,000ની નીચે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 19,700ની નીચે સરક્યો હતો. બજારમાં વેચવાલીનું દબાણ હતું. મિડકેપ શેરો અને સ્મોલ કેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી થઈ હતી આ ઉપરાંત ભારત અને વિશ્વમાં બોન્ડ યિલ્ડમાં વધારો થવાથી રોકાણકારોએ સાવચેતી દાખવી હતી.
રોકાણકારોના 2.39 લાખ કરોડ ડૂબ્યા
BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 321.43 લાખ કરોડ થયું હતું, જે ગયા ટ્રેડિંગ સેશનમાં 323.82 લાખ કરોડ હતું. આમ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 2.39 લાખ કરોડ ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 36 શેરો નરમ બંધ થયા હતા, જ્યારે ચાર શેરો વધીને બંધ રહ્યા હતા. ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી.
BSE પર કુલ 3843 શેરોમાં ટ્રેડિંગ થયા હતા, જેમાં 1456 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 2245 શેરો ઘટીને બંધ રહ્યા હતા. 142 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 290 શેરોએ 52 સપ્તાહ શેરોની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 27 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાર્મામાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી મિડ કેપ, નિફ્ટી સ્મોલકેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ફાઈનાન્સમાં ઘટાડો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સે 2.85 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો.