મુંબઈ તા.12 જૂન, 2020ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને ટેકો આપવા અને દેશના મૂડીબજારને વધુ સક્ષમ બનાવવા દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ અપનાવ્યું છે. એક્સચેન્જે ગોલ્ડ અને સિલ્વર ડિલિવરીઝના કોમોડિટી પ્લેટફોર્મ માટે બીઆઈએસ આઈએસ 17278 : 2019 સ્ટાન્ડર્ડ અપનાવ્યું છે. બીએસઈ આ સ્ટાન્ડર્ડ અપનાવનારું દેશનું સૌપ્રથમ એક્સચેન્જ બન્યું છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ ગોલ્ડ અને સિલ્વરની ડિલિવરી માટેનાં ધોરણ આઈએસ 17278 : 2019 28 ડિસેમ્બર, 2019થી અમલી બનાવ્યાં છે. આ ધોરણોમાં સોના-ચાંદીની શુદ્ધતા, સ્વરૂપ અને તેની ઉત્પાદન પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત વિશ્વમાં સોનાનો મોટામાં મોટો આયાતકાર અને વપરાશકાર હોવા છતાં તેના ભાવ પર ભારતની અસર નથી અને બેન્ચમાર્ક પ્રાઈસ માટે આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખવો પડે છે, જે લંડનના ભાવ હોય છે. બીએસઈ બીઆઈએસ અપનાવીને બુલિયનની નાણાકીય અને ફિઝિકલ માર્કેટ વચ્ચે કડી સ્થાપવા માગે છે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટે અને એક્સચેન્જ ટ્રેડેડ માર્કેટ્સ, ફિઝિકલ સ્પોટચ માર્કેટ્સ અને કંઝ્યુમર માર્કેટ્સ વચ્ચેની ગુણવત્તાની અસમાનતા દૂર થાય.
“આ પગલા સાથે બીએસઈ ભારતીય બુલિયન માર્કેટના વિકાસ પ્રતિની પ્રતિબદ્ધતાને દર્શાવવા માગે છે. અમને વિશ્વાસ છે કે ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ અપનાવવાથી કીમતી ધાતુઓની શુદ્ધતા, સ્વરૂપ અને જ્યાંથી આયાત કરાઈ હોય એ સ્થળ સંબંધે ખરીદદારોનો ભરોસો વધશે. ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ દ્વારા ભારત બિલિયન માર્કેટમાં પ્રાઈસ ટેકરને બદલે પ્રાઈસ સેટર બની રહેશે,”, એમ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું.
આ સ્ટાન્ડર્ડ અપનાવીને બીએસઈએ વિશ્વની બુલિયન માર્કેટ્સ માટે ગોલ્ડ અને સિલ્વર બાર્સના ફિઝિકલ વર્ણન માટેના નિશ્ચિત નિયમો સાથે સેટલમેન્ટ અને ડિલિવરી માટેના સ્વીકાર્ય ધોરણ માટેનો આધાર પૂરો પાડ્યો છે. રિફાઈનરીઓના એક્રિડિટેશન માટેની પણ તેમાં જોગવાઈ છે. બીએસઈ ભારતીય રિફાઈનરીઓ અને ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડને ઉત્તેજન આપીને ભારતના બુલિયન બજારમાંના પડકારોને હળવા કરવા માગે છે.