મુંબઈ તા.15 ડિસેમ્બર, 2021: દેશના બીજા ક્રમાંકના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ બીએસઈ અને જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ (જીજેસી) વચ્ચે કરાર થયા છે, જે હેઠળ દેશમાં કોમોડિટીઝ અને દેશમાં સૂચિત ઈજીઆર (ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ) માર્કેટની વિકાસ કામગીરીને વેગ આપવામાં આવશે. બંને પોતાના જ્ઞાન અને સંશોધનના આદાનપ્રદાન ઉપરાંત દેશની બજારોમાં ઈજીઆર્સને પ્રમાણભૂત સ્વરૂપ આપવામાં અને કિંમત નિર્ધારણને વધુ પારદર્શક બનાવવા સંયુક્તપણે કામ કરશે.
ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરવા અને ત્યાં વેપારની સંભાવનાઓ ચકાસવાની કામગીરી પણ થશે. આ જોડાણ મારફતે બીએસઈ અને જીજેસી ગોલ્ડ સ્પોટ ટ્રેડિંગના વિકાસ માટે કામ કરશે.
બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું છે કે બીએસઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબદ્ધ છે. આ સમજૂતી કરાર દ્વારા બીએસઈ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલ ગોલ્ડ એક્સચેન્જના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા કૃતનિશ્ચયી છે. ઈજીઆર અને આઈઆઈબીએક્સ મારફતે સ્પોટ ટ્રેડ કરવાથી અને સપ્લાય કરાતા સોનાની ગુણવત્તા સુધરશે, કિંમત નિર્ધારણ સક્ષમ બનશે અને આ વેપારમાં બધા હિતધારકો માટે વધુ પારદર્શિતા ઉપલબ્ધ થશે.
જીજેસીના ચેરમેન આશિષ પેઠેએ કહ્યું કે બીએસઈ સાથેનો સમજૂતી કરારથી જીજેસીના મેમ્બર્સને સોનાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થશે. મેમ્બર્સ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સોનું મેળવી શકશે અને આપણા ઉદ્યોગને વિશ્વ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવી શકાશે.