આઈપીઓ પૂર્વે ઓલાને ઈન્વેસ્ટરો તરફથી મળ્યો પ્રચંડ-પ્રતિસાદ

બેંગલુરુઃ આવતા વર્ષે પોતાનો પબ્લિક ઈસ્યૂ લાવનાર મોબિલિટી પ્લેટફોર્મ ઓલા કેબ્સ કંપનીએ આંતરરાષ્ટ્રીય સંસ્થાકીય ઈન્વેસ્ટરો (અમેરિકી ઈન્વેસ્ટરો) તરફથી ટર્મ લોન B (TLB) રૂપે 50 કરોડ ડોલર પ્રાપ્ત કર્યા છે. કેબ (ખાનગી ટેક્સી) સેવા પૂરી પાડતી ભારતની મલ્ટીનેશનલ રાઈડશેરિંગ કંપની ઓલા કેબ્સના સીઈઓ ભાવિશ અગ્રવાલનું કહેવું છે કે અમારી ટર્મ લોન Bને મળેલો જ્વલંત પ્રતિસાદ અમારા બિઝનેસની તાકાત અને ઝડપી વિકાસ હાંસલ કરવા પર અમે સતત કેન્દ્રિત કરેલા લક્ષનું પ્રતિબિંબ છે. રાઈડ હેઈલિંગ, વેહિકલ કોમર્સ, ફૂડ ડિલિવરી, ક્વિક કોમર્સ અને નાણાકીય સેવાઓ સહિત વિવિધ પ્રકારના બિઝનેસમાં ભવિષ્યમાં ગતિશીલતા લાવવા માટે કંપની તેણે નક્કી કરેલા દ્રષ્ટિકોણને બળ પૂરું પાડવા માટે આ ટર્મ લોનનો ઉપયોગ કરશે.

ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટીએ 2010-11માં બેંગલુરુમાં સ્થાપેલી ઓલા કંપની ભારતના 250 શહેરો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બ્રિટનમાં કેબ સેવા પૂરી પાડે છે. ઓલા તેના આઈપીઓ (જાહેર ભરણા) દ્વારા 1 અબજ ડોલરનું ફંડ પ્રાપ્ત કરવા ધારે છે. 2020માં કંપની પાસે 3000 કર્મચારીઓનું સંખ્યાબળ હતું.