મુંબઈઃ બીએસઈએ સોમવારના પરિપત્ર દ્વારા બહાર પાડેલા એડ ઓન પ્રાઇસ બેન્ડ ફ્રેમવર્કને કારણે શેરબજારમાં બુધવારે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં વેચવાલી શરૂ થઈ હતી, પરંતુ એક્સચેન્જે આ વિષયે સ્પષ્ટતા કર્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
બજારમાં રોકાણકારોનું હિત સચવાય એ દૃષ્ટિએ એક્સચેન્જો સર્વેલન્સ એટલે કે ચાંપતી નજર રાખતાં હોય છે અને એ જ અનુસંધાનમાં બીએસઈએ ઉક્ત ફ્રેમવર્ક બહાર પાડ્યું છે. નાના અને મધ્યમ કદની કંપનીઓના શેરમાં અનુચિત રીતે ટ્રેડિંગની પ્રવૃત્તિઓ દ્વારા ગેરવાજબી રીતે ભાવમાં ઉતાર-ચડાવ આવતો અટકે એ માટે બીએસઈએ ઉક્ત પગલું ભર્યું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
એક્સચેન્જે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ ફ્રેમવર્ક હેઠળ મૂકવા માટે સિક્યૉરિટીઝ પસંદ કરવાનો હેતુ નિર્ભેળ સર્વેલન્સ માટેનો જ છે અને તેને સંબંધિત કંપની વિરુદ્ધના પગલા તરીકે ગણવું નહિ.
બીએસઈએ જણાવ્યા મુજબ સેબી સાથેની સલાહ-વિચારણા બાદ વધુ એક પ્રકારના સર્વેલન્સ એડ-ઓન પ્રાઈસ બેન્ડ ફ્રેમવર્ક 23 ઓગસ્ટ, 2021થી લાગુ પાડવાનું નક્કી કરાયું છે.
નોંધનીય છે કે સલામતી માટે લેવામાં આવતાં વિવિધ સર્વેલન્સ પગલાં જેમ કે ગ્રેડેડ સર્વેલન્સ મેઝર્સ (જીએસએમ), એડિશનલ સર્વેલન્સ મેઝર્સ (એલટી-એએસએમ), શોર્ટ-ટર્મ એડિશનલ સર્વેલન્સ મેઝર્સ (એસ-એએસએમ) અને ટ્રેડ ફોર ટ્રેડ (ટીટી) વગેરે ઉપરાંતનું આ સર્વેલન્સ ફ્રેમવર્ક હશે.
એક્સચેન્જે ખુલાસો કર્યો છે કે માત્ર બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના એક્સ, એક્સટી, ઝેડ, ઝેડપી, ઝેડવાય અને વાય ગ્રુપની જ સિક્યુરિટીઝને આ ફ્રેમવર્ક લાગુ પડશે. ઉક્ત ગ્રુપ્સમાં લિસ્ટેડ સિક્યુરિટીનો ભાવ છ મહિનામાં છ ગણો વધી જાય, એક વર્ષમાં 12 ગણો વધી જાય, બે વર્ષમાં 20 ગણો અને ત્રણ વર્ષમાં 30 ગણો વધી જાય એવી સિક્યુરિટીઝને રિવ્યુ માટે પસંદ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે રૂ.10નો ભાવ વાળો શેર છ મહિનામાં રૂ. 60 (600 ટકાનો વધારો) થઈ જાય, એક વર્ષમાં રૂ. 120 (1200 ટકા વધી જાય), બે વર્ષમાં રૂ. 200 (2000 ટકા) અને ત્રણ વર્ષમાં રૂ. 300 (3000 ટકા) થઈ જાય એવા શેરની સમીક્ષા થશે. આ ઉપરાંત સમીક્ષાની તારીખે સિક્યૉરિટીની કિંમત 10 રૂપિયા કે તેથી વધુ હોવી જોઈશે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1,000 કરોડ રૂપિયાથી ઓછું હોવું જોઈશે.
એડ-ઓન ફ્રેમવર્ક હેઠળની સિક્યુરિટીઝને દેનિક પ્રાઈસ ઉપરાંત એડ-ઓન પ્રાઈસ બેન્ડ્સ લાગુ પડશે.
મહત્ત્વના કોર્પોરેટ એક્શન્સ જેવા કે રાઈટ ઈશ્યુ, બોનસ ઈશ્યુ, મર્જર, અમાલગમેશન, ટેકઓવર ઈત્યાદિ સમયે આ ફ્રેમવર્ક નવી એડજસ્ટેડ કિંમતને લાગુ પડશે.