નવી દિલ્હી– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાના વેપારીઓને લોન ચૂકવવા પર મોટી રાહત આપી છે. અત્યાર સુધી નોટબંધી અને જીએસટીનો માર સહન કરી રહેલા એમએસએમઈને સરકારે મોટી રાહત આપતાં લોન ચૂકવવાની સમયમર્યાદા વધારી આપી છે. હવે તેઓ 3 મહિનાની જગ્યાએ 6 મહિનામાં પોતાની લોન ચૂકવી શકશે. જો કે આ છૂટનો ફાયદો એવા વેપારીઓ જ લઈ શકશે કે જેમણે જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.બેંક અને એનબીએફસી લોન એકાઉન્ટને નોન પર્ફોમિંગ એસેટ(એનપીએ) ત્યારે જ માનવામાં આવે છે, કે જ્યારે ક્રમશઃ 90 દિવસ અને 120 દિવસ સુધી લોન નથી ચૂકવતાં. સરકારે નાના વેપારીઓ માટે આ સમયમર્યાદા વધારીને 180 દિવસની કરી છે. એટલે કે જે વેપારીઓએ પહેલી સપ્ટેમ્બર-2017ની લોનનો હપ્તો નથી ચુકવ્યો તે એનપીએમાં ગણાશે નહી. જેમાં એવા વેપારીઓ પણ આવશે કે જેમણે પહેલી સપ્ટેમ્બર-2017થી લઈને 31 જાન્યુઆરી-2018 સુધી લોનનો હપ્તો ભર્યો નથી. આ એનપીએની કેટેગરીમાં નહી આવે. એમએસએમઈ જો 180 દિવસ સુધીમાં બેંક અથવા તો એનબીએફસીની લોન નહી ચુકવે તો તેઓ ડિફોલ્ટર કહેવાશે નહી. તેમની લોન માન્ય માનવામાં આવશે.
જીએસટીમાં રજિસ્ટ્રેશન પછી નાના વેપારીઓને રિફંડ નહી મળવાથી સૌથી વધારે રોકડ ફ્લો અને ફંડ્સની મુશ્કેલીઓ ઉભી થઈ છે, તેને કારણે તેઓ લોન બેંક અને એનબીએફસીને સમયસર નથી ચુકવી શકયા. સરકારે આવા એમએસએમઈ યુનિટને મદદની ઓફર કરી છે. અને માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 અતંગર્ત છૂટ આપી છે.
જે વેપારીઓએ 31 જાન્યુઆરી, 2018 સુધી જીએસટી રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, અને જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 25 કરોડ રૂપિયાથી વધારે નથી, તેવા વેપારીઓને આ છૂટનો લાભ મળશે.