માર્ચ પૂરો થાય ત્યાં સુધી બેન્કોમાં રજા નહીં: રવિવારે પણ કામ ચાલુ રહેશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે આવતી 31 માર્ચ સુધી દેશમાં તમામ બેન્ક ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. મતલબ કે 31 માર્ચ સુધી બેન્કોની તમામ શાખાઓ ખુલ્લી રહેશે. રવિવારે પણ ખાતેદારો, ગ્રાહકો બેન્કોને લગતા કામ કરાવી શકશે. 31 માર્ચ પછી સતત બે દિવસ સુધી (એપ્રિલ 1 અને એપ્રિલ 2ના રોજ) બેન્કોમાં કામકાજ નહીં થાય.

આરબીઆઈએ તમામ બેન્કોને મોકલેલા આદેશમાં જણાવ્યું છે કે 31 માર્ચે નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થશે. તેથી સરકાર સાથે સંકળાયેલા તમામ વ્યવહારો-સોદાઓ આ તારીખ સુધીમાં સેટલ થઈ જવા જોઈએ. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમ અંતર્ગત થનારા ટ્રાન્ઝેક્શન્સ 31 માર્ચે રાતે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. સરકારી ચેકના કલેક્શન માટે સ્પેશિયલ ક્લિયરિંગ કંડક્ટ કરાવાશે. એ માટે ડિપાર્ટમેન્ટ ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (ડીપીએસએસ) જરૂરી સૂચના બહાર પાડશે.