મુંબઈ – બે બેન્ક યુનિયન સાથે સંકળાયેલા બેન્ક કર્મચારીઓ દ્વારા આજે દેશભરમાં બેન્ક હડતાળ પાડવામાં આવી છે. આ હડતાળને કારણે બેન્કિંગ વ્યવહારને અસર પડી શકે છે.
જાહેર ક્ષેત્રની 10 બેન્કોને ચાર મોટી બેન્કોમાં વિલિન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં આ બેન્ક હડતાળ પાડવામાં આવી છે.
હડતાળનું એલાન કરનાર યુનિયન છે – ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા. બંનેએ સાથે મળીને હડતાળનું એલાન કર્યું છે.
આ હડતાળને કારણે બેન્ક ઓફ બરોડા સહિત અનેક સરકારી બેન્કોમાં કામકાજ ઠપ રહી શકે છે.
જોકે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તેની કામગીરીઓ પર આ હડતાળની કોઈ અસર નહીં થાય.
બેન્ક કર્મચારીઓના યુનિયનોના નેતાઓએ એવી ચેતવણી આપી છે કે આજે હડતાળના દિવસે એટીએમ પણ બંધ રાખવામાં આવશે.
એસબીઆઈ, રીજનલ રૂરલ બેન્ક્સ અને કોઓપરેટિવ બેન્કો મોટે ભાગે આજે ચાલુ રહેશે.
બેન્ક ઓફ બરોડા ઉપરાંત બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સિન્ડીકેટ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સહિતની બેન્કોએ કહ્યું છે કે હડતાળને કારણે એમની કામગીરી ઠપ રહેશે.