નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન Ayushman Bharat ને લાગૂ કરવા માટે આઠ રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત રાજ્યોએ સ્વાસ્થ્ય મંત્રાલય સાથે એમઓયુ સાઈન કર્યા છે. આ સ્કીમનો ઉદ્દેશ્ય 10 કરોડ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં આપવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આ પ્રોગ્રામને 15 ઓગષ્ટના દિવસે શરૂ કરશે.
આયુષ્માન ભારતને લાગૂ કરવા માટે જે આઠ રાજ્યોએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર તેમજ ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. તો આ સિવાય છત્તિસગઢ સહિત ચાર કેન્દ્ર શાસિત રાજ્યોએ પણ હસ્તાક્ષર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, અંદમાન અને નિકોબાર તેમજ તમિલનાડુ સહિતના રાજ્યો આવનારા થોડા સમયમાં જ આ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. દિલ્હી, ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળે હજી સુધી આ સ્કીમને લાગૂ કરવા માટે પોઝિટીવ રિસ્પોન્સ નથી આપ્યો. અત્યારે આ રાજ્યો સાથે આ સ્કીમને લઈને વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.
મોદી સરકારે બજેટમાં એક હેલ્થ સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત દેશના 10 કરોડ જેટલા પરિવારોને તેમાં જોડવાની યોજના હતી. હવે સરકારે આ સ્કીમને આયુષ્માન ભારત નામથી મંજૂરી આપી દીધી છે. તો આ સાથે જ કોને આ સ્કીમનો લાભ મળી શકશે તેની શરતો પણ નક્કી કરી દેવામાં આવી છે.