એપલે નવા 3 આઈફોન X લોન્ચ કર્યા; ડ્યુઅલ SIM, ઈમ્પ્રેસિવ કેમેરા સાથે

સેન ફ્રાન્સિસ્કો – એપલ કંપનીએ વર્ષ 2018 માટે તેના 3 નવા આઈફોન સત્તાવાર રીતે લોન્ચ કર્યા છે. આ ફોન છે – પ્રીમિયમ કક્ષાનો આઈફોન XS, આઈફોન XS Max અને આઈફોન XR.

ગઈ કાલે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો ખાતે એપલ પાર્કસ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં આયોજિત એપલ ઈવેન્ટ કાર્યક્રમમાં કંપનીના સીઈઓ ટીમ કૂકે નવા આઈફોન રિલીઝ કર્યા હતા.

આઈફોન એક્સએસ અને આઈફોન એક્સએસ મેક્સ ડ્યુઅલ SIMને સપોર્ટ કરશે.

આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સમાં અપગ્રેડેડ 12MP+12MP કેમેરા છે અને 2x ઓપ્ટિકલ ઝૂમ સુવિધા છે.

બંને મોડેલમાં ફ્રન્ટમાં 7MP RGB કેમેરા સેન્સર છે. આઈફોન XRમાં સિંગલ 12MP રીયર કેમેરા છે.

આઈફોન એક્સએસ અને આઈફોન એક્સએસ મેક્સ 64GB, 256GB તથા 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. તે સ્પેસ ગ્રે, સિલ્વર અને નવા ગોલ્ડ રંગમાં મળશે. એની કિંમત અનુક્રમે રૂ. 99,900 અને રૂ. 1,09,900 હશે. આ નવા આઈફોન્સ ભારતમાં એપલના ઓથોરાઈઝ્ડ રીસેલર્સ મારફત ઉપલબ્ધ થશે.

આઈફોન એક્સએસનો સ્ક્રીન 6.5 ઈંચનો OLED છે, જે કોઈ પણ આઈફોન કરતાં વધારે મોટો છે. એક્સએસ અને એક્સએસ મેક્સ, બંને ફોનમાં 3D ટચ અને એચડીઆર છે.

આઈફોન એક્સઆર ત્રણેય ફોનમાં સસ્તો છે. એની સ્ટાર્ટિંગ કિંમત છે રૂ. 76,900. આ ફોનમાં 6.1 ઈંચ એલસીડી સ્ક્રીન છે. સ્ટીલને બદલે એની બોડી એલ્યુમિનિયમની છે.

એપલની નવી સ્માર્ટ વોચ Apple Watch Series 4

એપલે તેની નવી કાંડાઘડિયાળ Apple Watch Series 4 પણ રિલીઝ કરી છે. આ વોચ સુધારિત હેલ્થ ફીચર્સવાળી છે. તે કદમાં 30 ટકા વધારે મોટી છે.

એપલની નવી વોચમાં 3 નવા હાર્ટ રેટ ફીચર્સ છે. આ વોચનું ફોકસ હશે હેલ્થ અને ફિટનેસ.

એપલ વોચ સીરિઝ 4માં ECG સપોર્ટ ફીચર છે. ધારક એપ ઓપન કરીને, ડિજિટલ ક્રાઉન પર પોતાની આંગળી મૂકીને ECG ટેસ્ટ લઈ શકે છે. આખી પ્રક્રિયામાં માત્ર 30 સેકંડ લાગે છે.

ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ફીચર ધરાવતી એપલની નવી વોચ દુનિયાની આ પ્રકારની પહેલી જ ઘડિયાળ છે.

એપલ કંપનીને તેની વોચના ECG ફીચર માટે અમેરિકાની FDA તરફથી મંજૂરી મળી ગઈ છે.

એપલ વચ સીરિઝ 4 તે પહેરનારને પડી જતા ચેતવશે. મોટી ઉંમરના ગ્રાહકો, દર્દીઓ માટે ઉપયોગી. તંદુરસ્ત લોકોને પણ અકસ્માતથી બચાવી શકશે.

એપલ ઈવેન્ટ શરૂ થયાની 15 મિનિટમાં જ પેશ કરવામાં આવી હતી મોટા ડિસ્પ્લેવાળી એપલ વોચ સીરિઝ 4.
એપલની નવી સીરિઝ 4 વોચની કિંમત 279 ડોલરથી શરૂ થશે. જીપીએસ વર્ઝનની કિંમત 399 ડોલર, સેલ્યૂલર વેરિઅન્ટની કિંમત 499 ડોલર. 21 સપ્ટેંબરથી ઓર્ડર.

એપલની નવી વોચમાં 3 એલ્યુમિનિયમ ફિનિશ હશે – સ્પેસ ગ્રે, સિલ્વર અને બ્લેક. સ્ટેઈનલેસ સ્ટીલમાં ગોલ્ડ સ્ટેઈનલેસ, મેટ બ્લેક અને પોલિશ્ડ ક્રોમ છે.