મુંબઈઃ iફોન ઉત્પાદક એપલે સપ્ટેમ્બર, 2023એ પૂરા થતા સમયગાળાના પરિણામો જાહેર કર્યાં છે. કંપનીની ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવક એક ટકો ઘટીને 89.5 અબજ ડોલરની આવક થઈ હતી. કંપનીની ત્રિમાસિક ગાળામાં iફોનની આવક ત્રણ ટકા 43.8 અબજ ડોલરની હતી.
કંપનીના CEO ટિમ કુકે કહ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં iફોનની આવક અમારી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે. ભારતમાં આવક ઊંચા રેકોર્ડની સાથે-સાથે ચીન, લેટિન અમેરિકા, મધ્ય-પૂર્વ, દક્ષિણ એશિયા સહિતનાં ઘણાં બજારોમાં ત્રિમાસિક રેકોર્ડ બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાં મધ્યમ વર્ગ બહોળો છે, જેથી કંપનીનું મુખ્ય ધ્યાન ભારત તરફ કેન્દ્રિત છે. કંપનીએ દેશમાં તેનો પહેલો રિટેલ સ્ટોર મુંબઈમાં શરૂ કર્યો હતો. ત્યાર બાદ દિલ્હીમાં શરૂ કર્યો હતો.ય તેમણે આ સ્ટોર્સ વિશે કહ્યું હતું કે અમે ત્યાં બે રિટેલ સ્ટોર્સ ખોલ્યા છે અને તેઓ અમારી અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં કુલ રૂ. 49,321 કરોડની આવક ઊભી કરી છે. આવકમાં આ વધારો કંપનીના ઉત્પાદન વેચાણમાં 48 ટકા વધારાને કારણે થયો છે. આ સમયગાળામાં ચોખ્ખો નફો 76 ટકા વધીને રૂ. 2229 કરોડ થયો છે.
તેમણે ભારતને કંપની માટે રોમાંચક બજાર ગણાવ્યું છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં Appleની એકંદર આવક અગાઉના ક્વાર્ટરની તુલનામાં ઘટી છે, પરંતુ ભારતમાં આવકે સર્વકાલીન ઉચ્ચ વિક્રમ સ્થાપ્યો છે.
