એપલ આઈફોન, આઈપેડ વાપરનારાઓને સરકારની ચેતવણી

નવી દિલ્હીઃ ભારત સરકારની સાઈબર સુરક્ષા ટીમ તરફથી નવી ચેતવણી આપવામાં આવી છે કે એપલ આઈફોન અને એપલ આઈપેડના વપરાશકારો પર મોટું જોખમ ઝળૂંબે છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) તરફથી બહાર પાડવામાં આવેલી નવી ચેતવણીમાં જણાવ્યાનુસાર, iOS 16.1 અને iPadOS 16 અગાઉના વર્ઝનવાળા એપલ આઈફોન અને આઈપેડમાં સુરક્ષાને લગતી અનેક પ્રકારની ખામીઓ હોવાનું માલુમ પડ્યું છે. આ ખામીઓનો ઉપયોગ કરીને કોઈ એપલ આઈફોન-8 તથા તે પછી બનાવવામાં આવેલા આઈફોનનો ગેરલાભ ઉઠાવી શકે છે. એપલના આ વર્ઝનવાળા આઈપેડ જોખમી છેઃ તમામ આઈપેડ પ્રો મોડેલ્સ, આઈપેડ એર થર્ડ જનરેશન તથા તે પછીના વર્ઝનવાળા, આઈપેડ પાંચમા વર્ઝન તથા તે પછીના અને આઈપેડ મિની પાંચમા વર્ઝન તથા તે પછીના.

CERT-In એજન્સીએ જાણકારી આપી છે કે એપલ iOS અને આઈપેડOS માં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી છે જેના દ્વારા કોઈ સાઈબર હુમલાખોર દૂરના અંતરેથી પણ યૂઝરની ખાનગી-મહત્ત્વની માહિતી મેળવી શકે છે. એપલ આઈફોન અને આઈપેડ યૂઝર્સે તાત્કાલિક રીતે એમના સ્માર્ટફોનમાં લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરાવી લેવા જોઈએ. એપલ કંપનીએ હાલમાં જ તેના પાત્ર આઈફોન અને આઈપેડ યૂઝર્સ માટે iOS 16.1 and iPadOS 16 બહાર પાડ્યા છે.