એપલનું 18 વર્ષ જૂનું iTunes પ્લેટફોર્મ હવે બંધ, એની જગ્યાએ યુઝર્સને 3 નવી એપ મળશે

સેન જોઝ (કેલિફોર્નિયા) – દુનિયાભરમાં સંગીત સ્ટ્રીમિંગ ઉદ્યોગ ખૂબ વિસ્તરી રહ્યો છે, વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની મ્યુઝિક કંપનીઓ સ્પર્ધામાં ઉતરી રહી છે ત્યારે એપલ કંપનીએ તેની લોકપ્રિય સંગીત સેવા iTunesને તબક્કાવાર હટાવી લેવાની જાહેરાત કરી છે.

જોકે iTunes સદંતર બંધ કરી દેવામાં આવી નથી, પણ એને નવી એપ્સમાં ભેળવી દેવામાં આવી છે.

એપલ કંપનીએ ‘macOS Catalina’નું પ્રીવ્યૂઈંગ કર્યું હતું, જે વિશ્વની અત્યાધુનિક ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે. એમાં તેણે નવા ફીચર્સ, નવી એપ્સનો ઉમેરો કર્યો છે.

macOS કેટલીનાને લીધે એપલ તેની સંગીત સેવા iTunesની જગ્યાએ એની લોકપ્રિય મનોરંજન એપ્લિકેશન્સ – એપલ મ્યુઝિક, એપલ પોડકાસ્ટ્સ અને એપલ ટીવી એપ લાવી રહી છે, એમ કંપનીએ સોમવારે અહીં તેની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ – WWDC 2019માં આ જાહેર કર્યું હતું.

iPhones, Mac અને iPads બનાવનાર એપલ કંપની હવે મ્યુઝિક સેવાને મ્યુઝિક, પોડકાસ્ટ અને ટીવી એપ્સ, એમ અલગ-અલગ ફોર્મેટમાં આપશે.

એપલ તેની macOS કેટલીના ઓપરેટિંગ સિસ્ટમ iTunesની જગ્યાએ જે ત્રણ આધુનિક એપ્સ લાવી છે એની પાછળનો એનો ઉદ્દેશ્ય Mac યુઝર્સ જે રીતે એમનાં ફેવરિટ મ્યુઝિક, ટીવી શો, ફિલ્મો અને પોડકાસ્ટ્સને ડિસ્કવર કરે છે અને આનંદ માણે છે એમાં સરળતા લાવવાનો અને સુધારો કરવાનો છે.

iTunes ને તબક્કાવાર દૂર કરી દેવામાં આવશે. આ જાહેરાતથી કેટલાકને આંચકો લાગ્યો છે તો ઘણાયને નથી લાગ્યો, કારણ કે ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એપલ યુઝર્સને તેની મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન સર્વિસ તરફ પૂશ કરી રહી જ હતી.

એપલના સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગના સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ ક્રેગ ફેડ્રિગીએ કહ્યું કે, macOS કેટલીના સાથે અમે Macમાં નવી એપ્સ લાવી રહ્યાં છે અને એનો આરંભ થશે એપલ મ્યુઝિક, એપલ પોડકાસ્ટ્સ અને એપલ ટીવી એપ સાથે.

iTunesની શરૂઆત 2001માં કરવામાં આવી હતી અને બે વર્ષ બાદ એનો મ્યુઝિક સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો હતો.

એપલ મ્યુઝિક એપ યુઝર્સને નવા સંગીતને ડિસ્કવર કરવામાં મદદરૂપ થશે. લોકો પાંચ કરોડ જેટલા ગીતો, પ્લેલિસ્ટ્સ અને સંગીત વિડિયો મેળવી શકશે.

કંપનીનું કહેવું છે કે તેના યુઝર્સ આખી મ્યુઝિક લાઈબ્રેરી એક્સેસ કરી શકશે, જેમાં તેઓ ગીતો ડાઉનલોડ કરી શકશે, ખરીદી શકશે અથવા કોઈ CDમાંથી પ્રાપ્ત પણ કરી શકશે.

એપલે તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં પોતે લીધેલાં નવા પ્રાઈવસી પગલાંની પણ જાણકારી આપી હતી.

સોશિયલ મિડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને એપ્સમાં લોગ-ઈન કરવા માટે નવું સાઈન-ઈન એક વિકલ્પ બનશે. યુઝર્સના ઈમેલ એડ્રેસ અને ડેટાને ગુપ્ત રખાશે.

વિન્ડોઝ પ્લેટફોર્મ્સ પર iTunes યથાવત્ રહેશે અને Mac યુઝર્સ માટે એપલ મ્યુઝિક એપ પર એક સાઈડબારમાં જ ડાઉનલોડ્સ ચાલુ રહેશે.