વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખે મોંઘવારીનો ફરી એક ઝટકો મળ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નમાં થાય છે. તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી સ્વરૂપે જોવા મળશે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર લગભગ 18 રૂપિયા મોંઘો થયો છે. અગાઉ પહેલી નવેમ્બરે પણ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે પણ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો કોઈ ફેરફાર કર્યા વિના સ્થિર છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 1 ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1818.50 રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી 1802 રૂપિયા હતી. નોંધનિય છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે કોલકાતામાં 1927 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે મુંબઈના એલપીજી સિલિન્ડરની કિંમત પર નજર કરીએ તો 19 કિલોના સિલિન્ડરની કિંમત 1754.50 રૂપિયા હતી, જે હવે વધીને 1771 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધી આ સિલિન્ડર ચેન્નાઈમાં 1964.50 રૂપિયામાં મળતું હતું, જે હવે 1980.50 રૂપિયા થઈ ગયું છે.
