મુંદ્રા-પોર્ટ ખાતે જોખમી કાર્ગો-કન્ટેનર્સ મામલે અદાણીનું નિવેદન

અમદાવાદઃ ગઈ 18 નવેમ્બરે ગુજરાતના મુંદ્રા બંદર ખાતે કસ્ટમ્સ અને ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) વિભાગોના અધિકારીઓએ એક વિદેશી જહાજમાંથી કબજે કરેલા અનેક કન્ટેનર્સમાં અઘોષિત જોખમી કાર્ગો હોવા વિશે ફરી વળેલી ચિંતા અંગે અદાણી ગ્રુપે આજે એક નિવેદન બહાર પાડ્યું છે. મુંદ્રા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપની પોર્ટ્સ બિઝનેસમાં સક્રિય કંપની પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ) લિમિટેડ કરી રહી છે. ગઈ 18 નવેમ્બરે કસ્ટમ્સ અને ડીઆરઆઈ વિભાગોની એક સંયુક્ત ટૂકડીએ મુંદ્રા બંદર ખાતે એક વિદેશી જહાજમાંથી અનેક કન્ટેનર્સ જપ્ત કર્યા હતા. તે કન્ટેનર્સમાં જોખમી અઘોષિત કાર્ગો હોવાની ચિંતા પ્રસરી હતી. તે કાર્ગો બિન-જોખમી તરીકે યાદીબદ્ધ કરાયો હતો, પરંતુ કન્ટેનર્સમાં ‘હેઝાર્ડ ક્લાસ-7’ના ચિન્હો લગાડવામાં આવ્યા હતા તેથી એને કબજે કરવામાં આવ્યા હતા. તે કન્ટેનર્સ મુંદ્રા પોર્ટ કે ભારતના બીજા કોઈ પણ બંદર ખાતે ઉતારવામાં આવનાર નહોતા. પરંતુ તે પાકિસ્તાનના કરાચીથી ચીનના શાંઘાઈ તરફ જતા હતા. ભારત સરકારના સત્તાધીશોએ વધુ નિરીક્ષણ કરવા માટે મુંદ્રા પોર્ટ ખાતે એ કન્ટેનર્સને ખાલી કરાવ્યા હતા.

અદાણી પોર્ટ સેઝ કંપનીએ ટ્વીટમાં કહ્યું છે કે આ ઓપરેશન માટે અમે સત્તાધીશોને શક્ય એટલી તમામ સહાયતા કરી છે. ઝડપી અને સંકલિત પગલું ભરવા માટે અમે કસ્ટમ્સ તથા ડીઆરઆઈ અધિકારીઓનો આભાર માનીએ છીએ. અમે તેમની સતર્કતાને સલામ કરીએ છીએ અને ભારતને સુરક્ષિત રાખવા માટેના કોઈ પણ પગલાને સંપૂર્ણપણે સહાયતા કરવાનું ચાલુ રાખીશું. અદાણી ગ્રુપ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતને અત્યંત ગંભીરતાથી લે છે અને તે આમાં કોઈ પણ રીતે બાંધછોડ નહીં કરે.