નવી દિલ્હી- અદાણી ગ્રુપ સંરક્ષણ વ્યવસાયનું વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. જેને લઈને અદાણીએ આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજિસ પ્રા.લિ.માં રૂ.400 કરોડના પ્રારંભિક રોકાણ સાથે મોટો હિસ્સો ખરીદશે. આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજિસ પાસે મજબૂત ઓર્ડર બૂક છે અને ભારતને હથિયારની સપ્લાઈ કરનારી રશિયા અને ઈઝરાઇલની મોટી કંપનીઓ સાથે ટાઇ-અપ પણ ધરાવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજિસમાં અદાણી ગ્રુપનું રોકાણ હજુ પણ વધશે. આલ્ફા કંપની સંરક્ષણ અને અવકાશના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપની ડ્રૉન્સથી લઈને હેલિકોપ્ટર સુધીના ઘણા ઉત્પાદનો પર કામ કરી રહી છે, અને તે સ્થાનિક લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) પ્રોગ્રામ માટે પણ એક મોટી સપ્લાયર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક્વિઝિશન શુક્રવારે હૈદરાબાદમાં અદાણી જૂથના નવા ઉત્પાદન પ્લાન્ટના ઉદઘાટન સાથે થાય તેવી શક્યતા છે. આ પ્લાન્ટમાં ઇઝરાઇલની એલ્બિટ સિસ્ટમ્સ સાથે મળીને હર્મિસ 900 ડ્રોન બનાવવામાં આવશે. આ એક્વિઝિશનની મદદથી અદાણી ગ્રુપને એક્સપોર્ટ માર્કેટમાં ઉતરવાની સાથે જ ભારતમાં મોટા લશ્કરી ટેડર્સમાં ભાગ લેવા માટે ટેકનિકલી વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવા પણ મદદ મળશે.
ફાઈલ ચિત્ર
સૂત્રોનું માનીએ તો કંપની સરકારની વ્યૂહાત્મક ભાગીદારી યોજના હેઠળ નેવી માટે યૂટિલિટી હેલિકોપ્ટરના ઉત્પાદનમાં પણ રસ ધરાવે છે. નેવી ટીમે કંપનીના પ્લાન્ટની તપાસ પણ કરી છે. આ સોદા અંગે પૂછવામાં આવતા, અદાણી ગ્રુપ અને આલ્ફા ડિઝાઇને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ એક્વિઝિશનથી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસની ગણના ટાટા જૂથ, મહિન્દ્રા, રિલાયન્સ ડિફેન્સ અને એલ એન્ડ ટી જેવી મોટી કંપનીઓમાં થશે. આ કંપનીઓ મેક ઈન ઈન્ડિયાના મોટા પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં નવા ફાઇટર જેટ, ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન, બેટલ ટેન્ક અને નૌકા હેલિકોપ્ટર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપ 2016થી આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસ સાથે જોડાણ ધરાવે છે. તાજેતરના મહિનાઓમાં જ અદાણી ગ્રુपेपोપે સંરક્ષણ ક્ષેત્રના કેટલાક અન્ય સાહસોમાં પણ રોકાણ કર્યું છે. અદાણી ગ્રુપે ભારતમાં ડિફેન્સ અને સિક્યોરિટી બિજનેસમાં કુશળતા ધરાવતી બે નાની કંપનીઓ, ઑટોટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને કોમ્પ્રોટેક એન્જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડને પણ ટેક ઓવર કરી છે.