નવી દિલ્હીઃ સરકારે જીએસટી અંતર્ગત નેશનલ એન્ટી પ્રોફિટિંગ ઓથોર્ટીની નિયુક્તિ કરી છે. કેબિનેટ દ્વારા પણ આ પ્રસ્તાવની મંજૂરી આપવામાં આવી છે. આ ઓથોરિટી જીએસટીમાં ઘટાડવામાં આવેલા ટેક્સનો લાભ ન આપનારા વ્યાપારીઓની તપાસ કરશે. ગ્રાહકથી લઈને કોઈપણ પીડિત વ્યક્તિ આ ઓથોરિટીમાં પોતાની ફરિયાદ કરી શકશે.
NAAમાં ફરિયાદ કરવાની રીત
જો કોઈ ગ્રાહકને લાગે કે તેને સામાન અથવા સર્વિસ માટે જીએસટી અંતર્ગત વધારે પૈસા તેની પાસેથી લેવામાં આવ્યા છે તો ગ્રાહક પોતાની ફરિયાદ NAAની સ્ક્રીનિંગ કમિટી સામે કરી શકે છે. ગ્રાહકને આ ફરિયાદ તે જ રાજ્યમાં કરવાની રહેશે જે રાજ્ય સાથે જોડાયેલો આ કેસ હોય. જો કેસ એવો હોય કે કેટલાય રાજ્યના લોકો તેનાથી પ્રભાવિત થતાં હોય તો આ ફરિયાદ સીધી સ્ટેન્ડિંગ કમિટી સામે મૂકી શકાય.
ફરિયાદ બાદ ડીજી સેફગાર્ડ પાસે પહોંચશે કેસ
જે કેસ મામલે શરૂઆતના સમયમાં ફરિયાદ યોગ્ય લાગશે તેને ડાયરેક્ટર જનરલ સેફગાર્ડ પાસે આગળ તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ બાદ ડીજી પોતાનો રીપોર્ટ NAA પાસે મોકલશે. તપાસ રાપોર્ટથી સંતુષ્ટ થયા બાદ જ NAA દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અને જો NAAને લાગશે કે વધારે કડક કાર્યવાહીની જરૂર છે તો પછી તે આ કેસ સાથે જોડાયેલા વ્યાપારીનું રજિસ્ટ્રેશન પણ રદ કરી શકે છે.