FOW-ઈન્ટરનેશનલ ખાતે બીએસઈના શેલ આલમન્ડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને એવોર્ડ

મુંબઈ તા. 7 ડિસેમ્બર, 2022: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈને લંડન ખાતે યોજાયેલા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ વર્લ્ડ (એફઓડબ્લ્યુ) ઈન્ટરનેશનલ એવોર્ડ્સ 2022 ખાતે તેના એક અદ્વિતીય કોન્ટ્રેક્ટ માટે મોસ્ટ ઈનોવેટિવ કોન્ટ્રેક્ટ ઓફ ધ યર પ્રાપ્ત થયો છે.

બીએસઈને આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેના શેલ આલમન્ડ્સ (કોચલા સહિતની બદામ)ના લોન્ચ કરેલા કોન્ટ્રેક્ટ માટે આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે અમને એફઓડબ્લ્યુ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ 2022માં વર્ષનો સર્વશ્રેષ્ઠ નાવીન્યપૂર્ણ કોન્ટ્રેક્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો એનો ગર્વ છે. આ કોન્ટ્રેક્ટ દ્વારા બજાર સહભાગીઓ, હિતધારકો અને આયાતકારો કિંમતની વધઘટ સામે રક્ષણ મેળવી તેમનો નફો લોક કરી શકે છે અને કાર્યકારી મૂડીમાં વધારો કરી શકે છે. હિતધારકોમાં આ કોન્ટ્રેક્ટ પ્રતિ જાગૃતિ લાવવા બીએસઈએ વાશી ખાતેની એપીએમસી માર્કેટ ખાતે એક ટીકર પણ ઈન્સ્ટોલ કર્યું છે. કિંમતનું પ્રસારણ ફિઝિકલ માર્કેટ માટે સંદર્ભ દરની ગરજ સારે છે, જેને પગલે બીએસઈ પ્લેટફોર્મ પર ટ્રેડ થયેલી પ્રાઈસ બજાર માટે સતત ઉપલબ્ધ રહે છે. કોમોડિટીઝ માર્કેટમાં માહિતીની માગ સતત વધી રહી છે.

શેલ આલ્મન્ડ્સ કોન્ટ્રેક્ટ અંગે બધા સહભાગીઓ અત્યંત આશાવાદી છે. તેનો પ્રારંભ કરાયો ત્યારથી અત્યાર સુધીમાં 242 મેટ્રિક ટનની ફિઝિકલ ડિલિવરીઝ થઈ છે. પ્રત્યેક મહિને સરેરાશ રૂ.94.89 કરોડના 1772 મેટ્રિક ટનનો વેપાર થાય છે.