મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)એ કરેલી વિનંતીને પગલે નવાં નિયમો અને શરતોના આધારે એક્સચેન્જને 1 ઓક્ટોબર, 2022ના રોજથી ત્રણ મહિનાના સમયગાળા માટે સોફ્ટવેર સપોર્ટ સર્વિસીસ આપવાનું 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ નક્કી કર્યું છે.
63 મૂન્સે (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ) અખબારી યાદીમાં જણાવ્યા મુજબ એમસીએક્સના ટ્રેડિંગ સભ્યોને એક્સચેન્જના પ્રારંભથી અત્યાર સુધી જે રીતે સપોર્ટ અને સર્વિસીસ મળતાં આવ્યાં છે એ જ લાભ યથાવત્ રાખવામાં આવશે.
એમસીએક્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઠરાવ પસાર કરીને 63 મૂન્સની સોફ્ટવેર સપોર્ટ સર્વિસીસ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. ઠરાવમાં કહેવાયું છે, “બોર્ડને સંતોષ છે અને સંચાલક મંડળે એ વાતને પુષ્ટિ આપી છે કે 63 મૂન્સ દ્વારા પૂરું પાડવામાં આવેલું ટ્રેડિંગ, ક્લીયરિંગ અને સેટલમેન્ટનું માધ્યમ ઘણાં વર્ષોથી સ્થિરતાપૂર્વક ચાલી રહ્યું છે અને એક્સચેન્જની જરૂરિયાતો તેનાથી પૂરી થઈ છે. એ ઉપરાંત 63 મૂન્સે હંમેશાં આ માધ્યમને સક્ષમ રીતે સપોર્ટ પૂરો પાડ્યો છે.”
63 મૂન્સ ઉક્ત ઠરાવને આવકારે છે એમ જણાવતાં યાદીમાં ઉમેરવામાં આવ્યું છે કે 63 મૂન્સ અને એમસીએક્સ વચ્ચે સોફ્ટ સપોર્ટ અને મેન્ટેનન્સ માટેના કરારમાં છેલ્લે 27 સપ્ટેમ્બર, 2014ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. એ કરારની મુદત 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરી થઈ હતી. હવે નવી વ્યવસ્થા મુજબ ટ્રેડિંગ સમુદાયને 30 સપ્ટેમ્બર, 2022 પછી પણ પહેલાંની જેમ જ ટ્રેડિંગની ઝડપી સુવિધાનો અનુભવ થશે.