નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં ટેસ્લાનો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક આધારે 44 ટકા ઘટ્યો હતો. ઇલેક્ટ્રિક વાહન સોલર પેનલ અને બેટરી ઉત્પાદક કંપનીનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખી આવક 1.86 અબજ અમેરિકી ડોલર થઈ હતી. કંપનીની શેરદીઠ આવક 95 સેન્ટ ઘટીને 53 સેન્ટ થઈ છે.
કંપનીની કુલ આવક નવ ટકા વધીને 23.35 અબજ અમેરિકી ડોલર થઈ છે. વિશ્લેષકોએ આવક 24.19 અબજ ડોલર રહેવાનો અંદાજ વ્યક્ય કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં 4,35,059 વાહનોનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 27 ટકા વધુ છે. કંપનીએ જણાવ્યું હતું કે ચોખ્ખો નફો અંદાજિત 73 સેન્ટની તુલનાએ 66 ટકા શેરદીઠ રહ્યો હતો, જે અંદાજ કરતાં ઓછો હતો.
બીજી બાજુ કેન્દ્ર સરકાર નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી પર કામ કરી રહી છે અને એ નીતિ હેઠળ કંપનીને ઇમ્પોર્ટ ટેક્સમાં ભારે છૂટ અપાય એવી શક્યતા છે. સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ટેક્સને 100 ટકાથી ઘટાડીને 15 ટકા કરે એવી શક્યતા છે.
સરકાર ટેસ્લા જેવા હાઇ ટેક્નોલોજીવાળા વાહન ઉત્પાદકોને ભારત આવવા માટે મોટી ઓફર આપે એવી શક્યતા છે. જો આ મુદ્દે સહમતી બનશે તો ટેસ્લા જેવી લક્ઝરી કારો સરળતાથી દેશમાં વેચાણ થશે.