જમ્મુ કાશ્મીરમાં બસ અકસ્માત, 16 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખાડામાં પડી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે બસ લગભગ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માત અખનૂર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર થયો હતો, જ્યારે બસ અચાનક રસ્તા પરથી ઊંડી ખીણમાં પડી હતી.

 


ભારતીય સેનાએ ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત કરી છે. તેઓ બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યા છે. ઈજાગ્રસ્તોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર કહ્યું, જમ્મુના અખનૂર પાસે બસ દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.