અમદાવાદ: આજના અશાંતિસભર સમયમાં દરેક માનવ હૃદયની સૌથી ઊંડી ચાહના છે—શાંતિ. કારણ કે શાંતિ માત્ર મૌનનું નામ નથી, પરંતુ એ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલન પ્રદાન કરતી અદૃશ્ય શક્તિ છે. વિશ્વમાં વધતી તણાવભરી પરિસ્થિતિઓ વચ્ચે વ્યક્તિએ સ્વયં શાંતમૂર્ત બનીને શાંતિનાં કોમળ વાઇબ્રેશન્સ જગતમાં ફેલાવવાની સમયની જરૂરિયાત બની છે.
આ જ ઉદ્દેશ્યને જીવંત કરવા માટે બ્રહ્માકુમારી સંસ્થા, ખાસ કરીને બ્રહ્માકુમારી ગુજરાત, પોતાના હીરક જયંતિ મહોત્સવના પાવન અવસર પર એક વિશાળ અને દિવ્ય આયોજન કરી રહી છે. સમગ્ર રાજ્યમાં શાંતિનો સંદેશ પહોંચાડવા માટે 23મી નવેમ્બરનાં રોજ સવારે 7 થી 8 દરમિયાન, એક જ દિવસે અને એક જ સમયે, શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાની વિશેષતા એ છે કે તે માત્ર કોઈ એક શહેર સુધી મર્યાદિત નથી, પરંતુ આખા ગુજરાતમાં ફેલાયેલા બ્રહ્માકુમારીસના 500 સેવા કેન્દ્રો અને 5000થી પણ વધુ પાઠશાળાઓ દ્વારા એકસાથે આ શાંતિ યાત્રા યોજાશે. હજારો લોકો આંતરિક શક્તિ, માનવીય એકતા અને સર્વજન હિતની ભાવના સાથે આ અભિયાનમાં જોડાશે.
આ સમગ્ર કાર્યક્રમ અંગે બ્રહ્માકુમારી ગુજરાત ઝોનના ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતી દીદીએ જણાવ્યું, “આજના સમયમાં શાંતિ એ દરેક મનુષ્યની સૌથી મોટી આવશ્યકતા છે. વ્યક્તિ શાંત બને ત્યારે પરિવારમાં સંતુલન આવે છે અને તે જ બદલાવ પછી સમાજ અને વિશ્વ સુધી પહોંચે છે. 23મી નવેમ્બરની શાંતિ યાત્રા એ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ દરેક વ્યક્તિના અંતરમાંથી ઉઠેલો શાંતિનો સંકલ્પ છે. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની ધરતી પરથી શાંતિનું શક્તિશાળી વાઇબ્રેશન સમગ્ર વિશ્વમાં પ્રસરે.”
બ્રહ્માકુમારી સંસ્થા વર્ષોથી શાંતિ, સ્વપરિવર્તન અને મૂલ્ય શિક્ષણ માટે સતત સેવાઓ આપી રહી છે. હીરક જયંતિ મહોત્સવના આ વિશેષ પ્રસંગે તે સેવાઓને ગુજરાત સ્તરે યાત્રા રૂપે વ્યક્ત કરવામાં આવી રહી છે.
23મી નવેમ્બરનું આ અનોખું આયોજન સમસ્ત ગુજરાત માટે એક સંદેશ છે—
“જ્યારે મન શાંત, ત્યારે દુનિયા પણ શાંત.”


