અમદાવાદઃ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને પગલે ઘરેલુ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી ફરી વળી હતી. આ સાથે વિદેશી રોકાણકારોની વેચવાલી અને ડોલર સામે રૂપિયાની નબળાઈને પગલે સેન્સેક્સ 961 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 317 પોઇન્ટ તૂટ્યો હતો. IT સિવાય 15 સૌથી મોટા સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ એક ટકા ઘટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
BSE સેન્સેક્સ 961.42 પોઇન્ટ તૂટીને 81,287.19 પર બંધ થયો હતો. નિફ્ટી 317.90 પોઇન્ટ તૂટી 25,178,65ના સ્તરે બંધ થયો હતો.આ સાથે ભારતીય શેરબજારોમાં શુક્રવારે ભારે ગાબડું નોંધાયું. ખાસ કરીને ફાઇનાન્શિયલ શેરોમાં થયેલી જોરદાર વેચવાલીનો બજાર પર સૌથી વધુ પ્રભાવ રહ્યો. આ સાથે મુખ્ય સૂચકાંક નિફ્ટી-50 અને સેન્સેક્સ સતત ત્રીજા મહિને ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે IT શેરોએ સપ્ટેમ્બર, 2008 બાદનું સૌથી નબળું માસિક પ્રદર્શન નોંધાવ્યું. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને કારણે IT કંપનીઓની કમાણી પર અસર થવાની આશંકાએ IT શેરો પર દબાણ વધાર્યું હતું. ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો, જેને કારણે બજાર પર વધુ દબાણ સર્જાયું હતું.
ફેબ્રુઆરીમાં નિફ્ટી 0.6 ટકા, સેન્સેક્સ 1.2 ટકા તૂટ્યો
માસિક ધોરણે નિફ્ટીમાં 0.6 ટકા અને સેન્સેક્સમાં 1.2 ટકા ઘટાડો નોંધાયો. IT સૂચકાંક ફેબ્રુઆરીમાં 19.5 ટકા તૂટ્યો હતો, જે વૈશ્વિક આર્થિક સંકટ બાદનું સૌથી નબળું માસિક પ્રદર્શન છે. આ મહિને IT ઈન્ડેક્સની 10 કંપનીઓના બજાર મૂડીકરણમાં આશરે 62.8 અબજ ડોલરની ઘટાડો નોંધાયો હતો.
BSE પર કુલ 4369 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1666 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2521 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 182 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 100 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 340 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 155 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 154 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.


