ભાજપ દ્વારા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 99મા જન્મદિવસે મુખ્યાલય ખાતે હવનનું આયોજન

નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા દિલ્હી સ્થિત પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીના 99મા જન્મદિવસે વિશેષ હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે લાલકૃષ્ણ અડવાણી તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, અને તેમનો આ જન્મદિન દીવાળીના પર્વની સાથે જ ઉજવાઈ રહ્યો છે.

સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી યોજાયેલા આ હવન કાર્યક્રમમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અડવાણીજીના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ, સંગઠનાત્મક યોગદાન અને લાંબા જાહેર જીવનને યાદ કરીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવી. આ સાથે જ તેમના જીવનની સફર અને મુખ્ય ભાષણો પર આધારિત એક વિશેષ વીડિયો પ્રસ્તુતિ પણ દર્શાવવામાં આવી હતી.

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત લાલકૃષ્ણ અડવાણીએ ભારતીય રાજકારણમાં અને ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અતૂટ યોગદાનને યાદ કર્યું હતું.