ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે જણાવ્યું હતું કે ભાજપે દેશભરમાં 768 પાર્ટી કાર્યાલયો સ્થાપવાની યોજના બનાવી છે. જેમાંથી 563 કચેરીઓ પૂર્ણ થઈ ગઈ છે. નડ્ડા પણજી નજીક ગોવા બીજેપી હેડક્વાર્ટરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવાના હતા, પરંતુ તેમણે વીડિયો સંદેશ દ્વારા સમારોહને સંબોધિત કર્યો હતો. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો. સાવંતે કહ્યું કે નવી ઇમારત ડિસેમ્બર 2026 સુધીમાં તૈયાર થઈ જશે.
નડ્ડાએ કહ્યું કે, કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરકાર અને પાર્ટી સંગઠનને લગતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. દરેક રાજ્યની રાજધાનીમાં બીજેપીનું મુખ્યાલય અને દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયની સ્થાપના એ મોદી-શાહ દ્વારા લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોમાંનો એક હતો.નડ્ડાએ કહ્યું કે, પાર્ટીએ 768 ઓફિસ બનાવવાનો નિર્ણય કર્યો, જેમાંથી 563 પૂર્ણ થઈ ચૂકી છે. 96 ઓફિસમાં કામ ચાલી રહ્યું છે. નડ્ડાએ એ સમયને યાદ કર્યો જ્યારે 2014ની લોકસભા ચૂંટણી પહેલા જૂન 2013માં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કોંગ્રેસ સરકારને ઉથલાવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે બેઠક બાદ પાર્ટી કાર્યકર્તાઓએ સખત મહેનત કરી, જેના કારણે 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર સત્તામાં આવી.