ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારના હવાઈ નિરીક્ષણ માટે જશે. દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 3.45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિ વિશે માહિતી મેળવશે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં વધુ 5 ઇંચ વરસાદ પડ્યો તો માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે. જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ, સુરતના પલસાણા અને જૂનાગઢના કેશોદમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બારડોલી, કપરાડા, દ્વારકા, વાપી અને માળિયા હાટીનામાં પણ સાત-સાત ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ચીખલી, કામરેજ અને ઉપલેટામાં પણ પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.ત્યારે હાલમાં મળેલી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ ફરી શરૂ થયો છે, જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદથી 24 કલાકમાં 4 ગામ અસરગ્રસ્ત થયા છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી 85 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.