71 વર્ષના વૃદ્ધે 57 દિવસ અયોધ્યા સુધી પદયાત્રા કરી સંકલ્પ પૂર્ણ કર્યો

અયોધ્યા રામ મંદિરની સ્થાપના અને રામલલ્લાને ભવ્ય સ્થાન અપાવવા માટે હજારો લોકોએ પોતાનું યોગદાન આપ્યું. સંઘર્ષ, ઘર્ષણ અને વર્ષોની કાયદાકીય લડત પછી હમણાં જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે. 1990ના દાયકામાં જ્યારે અયોધ્યા માટે જ્યારે કારસેવા માટે કારસેવકોનો જે જુવાળ જાગેલો એમાં હજારો લોકો જોડાયા હતા. ગામે ગામથી રામ મંદિર માટે ઈંટો પણ એકઠી કરવામાં આવી હતી.

આ ધાર્મિક આંદોલનમાં રામ મંદિર બનાવવાના સંકલ્પ સાથે સાધુ સંતો આર.એસ.એસ, વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ અને સંગઠનોએ ભારે મહેનત જહેમત ઉઠાવી હતી. ઘણાં નેતા, તત્વવેત્તા, સાધુ સંતો અને કારસેવકોએ સંકલ્પ લીધા.. જેવા કે રામ મંદિર બનશે ત્યારે જ મીઠાઈ ખાશું.. મંદિર બનશે પછી જ મૌન તોડીશું..રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે ત્યારે પગપાળા યાત્રા કરીશ… આવા અનેક સંકલ્પ રામભક્તોએ લીધા હતા.

ભક્તો અને ભક્તિનું ઘોડાપૂર જ્યાં વર્ષોથી જોવા મળે છે એ ગુજરાત માંથી હજારો લોકો કાર સેવામાં જોડાયા હતા. ઉત્તર ગુજરાતના તલોદ પાસે આવેલા હરસોલ ગામના ભીખાભાઈ રાવલે પણ રામ મંદિરના એ આંદોલન વેળાએ સંકલ્પ કર્યો કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે ત્યારે પગપાળા યાત્રા કરી રામલલ્લાના દર્શન કરીશ.

અયોધ્યામાં રામ મંદિરે પગપાળા યાત્રા કરી દર્શન કર્યા બાદ તાજેતરમાં જ પરત ફરેલા ભીખાભાઈ રાવલ ચિત્રલેખા.કોમને કહે છે હું સીમાલીયા ગામમાં મંદિરની પૂજા કરતો. વર્ષોની જુદી જુદી લડત પછી રામ મંદિર બન્યું એટલે સાર્વત્રિક આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો. મને થયું હવે સંકલ્પ પૂર્ણ કરવો પડે. એટલે અહીંથી અયોધ્યા સુધીની પગપાળા યાત્રા શરૂ કરી. સતત 57 દિવસની પગપાળા યાત્રા બાદ અયોધ્યા પહોંચ્યો. રામલલ્લાના દર્શન કર્યા. સરયૂ નદીમાં સ્નાન કર્યુ અને મારો સંકલ્પ પૂરો કર્યો.

આ યાત્રામાં મને ગુજરાતથી અયોધ્યા મંદિર સુધી અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો. ભીખાભાઈ રાવલને ગુજરાતથી અયોધ્યા સુધીની પગપાળા યાત્રામાં મદદ કરનાર આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નારાયણ શર્મા કહે છે સંકલ્પ લીધો ત્યારે ભીખાભાઈ યુવાન હતાં. હવે ભીખાભાઈ 71 વર્ષની ઉંમરે પહોંચ્યા છે.

એમને ગુજરાતથી અયોધ્યા રામ મંદિર સુધીની યાત્રા દરમિયાન દર ત્રીસ કીલોમીટર દરમિયાન આરામ ઉતારો સગવડો મળી રહે એવું પુરતું આયોજન કરવાનો પ્રયત્ન કર્યો. ઘણાં ગામ અને શહેરોમાં ભીખાભાઈનું ભવ્ય કાર્યક્રમ યોજી સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. એમને રાજસ્થાન, ઉત્તર પ્રદેશના તીર્થ સ્થાનોની પણ યાત્રા કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

અયોધ્યા પહોંચ્યા બાદ રામ મંદિરના દર્શન અને સરયૂ નદીના સ્નાન કરી તુલસી ઘાટ પર સંકલ્પ પૂર્ણ કર્યો ત્યાં સુધી તમામ વ્યવસ્થા સરળતાથી થાય એવા પ્રયાસો કર્યા હતા.

અયોધ્યા રામ મંદિરને બનાવવા ઘણા આંદોલન, કાયદાકીય લડતો, યાત્રાઓ યોજાઈ. ઘણાં લોકોએ પોતાનું યોગદાન બલિદાન આપ્યું હતું. સંઘર્ષ દરમિયાન ઘણાં નેતાઓ સાધુ સંતોએ પોતાની આગવી છાપ ઉભી કરી નામના મેળવી. જ્યારે ભીખાભાઈ જેવા લોકો મર્યાદા પુરુષોત્તમ રામ મંદિરમાં બિરાજે એ માટે જુદા જુદા સંકલ્પ લઈને બેઠા હતા. જે અત્યારે પૂર્ણ કરી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)