બીએપીએસના સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ઉત્તર અમેરિકામાં બહુમાન

છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી દેશ-વિદેશમાં પોતાના ૧૫,૦૦૦થી વધુ પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા સમાજને, ખાસ કરીને યુવા વર્ગને, આધ્યાત્મિકતા દ્વારા માનસિક શાંતિ પ્રદાન કરનાર બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું ઉત્તર અમેરિકામાં બહુમાન કરવામાં આવ્યું છે.

છેલ્લા પાંચ અઠવાડિયા દરમિયાન કેનેડા અને અમેરિકાના વિવિધ રાજ્યો, પ્રાંતો અને નગરોમાં તેમનું સન્માન થયું છે. કેનેડાના ઓન્ટારિયો, ઍડમંટન, આલ્બર્ટા, કેલગરી અને તાજેતરમાં અમેરિકાના ઓહાયો રાજ્યના ગવર્નર દ્વારા પણ તેમને પ્રશસ્તિપત્રો સાથે બહુમાન કરવામાં આવ્યું.

વિદેશની ધરતી પર વિદેશના પદાધિકારીઓ દ્વારા એક સંતનું આ બહુમાન સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

ડો. જ્ઞાનવત્સલ સ્વામી વડોદરા સ્થિત અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રહીને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સમાજ ઉપયોગી સેવાઓ કરે છે. આ પ્રસંગ સમગ્ર સંત સમાજ અને વડોદરા માટે અત્યંત ગૌરવપૂર્ણ છે.