બેંકોની બેદરકારી હોય તો ડિજિટલ ફ્રોડના પીડિતોને વળતર ચૂકવવું પડશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: દેશમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને સાયબર ઠગાઈના કેસો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો બેંકોની બેદરકારી અથવા ડ્યુ ડિલિજન્સ (Due Diligence) નિષ્ફળ જવાના કારણે કોઈ ગ્રાહક સાથે ડિજિટલ ફ્રોડ થાય છે અને નાણાં ગુમાવે છે, તો તે નુકસાન માટે બેંકોને જ જવાબદાર ગણીને પીડિતોને વળતર ચૂકવવું પડશે.ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશોની બનેલી બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ગ્રાહકોના નાણાં અને ખાતાઓની સુરક્ષા કરવાની મુખ્ય જવાબદારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની છે. કોર્ટે ડિજિટલ અરેસ્ટ સ્કૅમ અને અન્ય સાયબર ફ્રોડનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો બેંક સમયસર શંકાસ્પદ કે અસામાન્ય ટ્રાન્ઝેક્શનને રોકવામાં અથવા ફ્લેગ કરવામાં નિષ્ફળ જાય છે, તો પીડિતોને ઓછામાં ઓછી ગુમાવેલી રકમનું વળતર મળવું જ જોઈએ.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બેંકોએ ફરજિયાતપણે નિવારક પગલાં લેવા જોઈએ. જેમાં સામાન્ય ટ્રાન્ઝેક્શન પેટર્નથી વિપરીત અચાનક મોટા ઉપાડ થાય ત્યારે તેને અસ્થાયી રૂપે અટકાવવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓની સ્વચાલિત જાણકારી આપવી અને ટ્રાન્ઝેક્શનની પ્રામાણિકતા ચકાસવા માટે સક્રિય સિસ્ટમ ઊભી કરવાનો સમાવેશ થાય છે. કોર્ટની આ કડકૂઢ નીતિથી સાયબર ફ્રોડના ભોગ બનનાર સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે અને બેંકોની જવાબદારી પણ નિશ્ચિત થશે.