બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નજરકેદમાંથી મુક્ત થયાના એક દિવસ પછી બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાએ “અશક્યને શક્ય બનાવવા માટેના સંઘર્ષ” માટે દેશવાસીઓનો આભાર માન્યો. ઝિયાએ કહ્યું કે દેશનું પુનર્નિર્માણ “ક્રોધ” અથવા “બદલો” દ્વારા નહીં પરંતુ “પ્રેમ અને શાંતિ” દ્વારા કરવામાં આવશે. નયાપલટનમાં BNPની રેલીમાં વિડિયો લિંક દ્વારા આપવામાં આવેલા તેમના ભાષણમાં 79 વર્ષીય ઝિયાએ શાંતિ માટે અપીલ કરી હતી. 2018 પછી ઝિયાનું આ પ્રથમ જાહેર ભાષણ છે.
જિયાએ કોનો આભાર માન્યો?
‘ડેઇલી સ્ટાર’ અખબારના અહેવાલ મુજબ, જિયાએ તેના માટે લડનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને જેલમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.જિયાએ કહ્યું,”હવે મને મુક્ત કરવામાં આવી છે. હું તે બહાદુર લોકોનો આભાર માનવા માંગુ છું જેઓએ અશક્યને શક્ય બનાવવા માટે ‘કરો યા મરો’ની લડત કરી.આ વિજય આપણને લૂંટ, ભ્રષ્ટાચાર અને કુશાસનના કાટમાળમાંથી બહાર આવવાની નવી સંભાવના આપે છે. આપણે આ દેશને સમૃદ્ધ બનાવવાની જરૂર છે.”
‘પ્રેમ અને શાંતિ જરૂરી છે’
દરેકને યુવાનોના હાથ મજબૂત કરવા વિનંતી કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું, “યુવાનો આપણું ભવિષ્ય છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે લોકતાંત્રિક બાંગ્લાદેશનું નિર્માણ કરવાની જરૂર છે, જેના માટે તેણે પોતાનું લોહી વહાવ્યું છે, કોઈ વિનાશ નહીં, કોઈ ગુસ્સો અને કોઈ બદલો નહીં, આપણા દેશના પુનઃનિર્માણ માટે આપણને પ્રેમ અને શાંતિની જરૂર છે.”
જેલની સજા ફટકારવામાં આવી હતી
તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન 2018માં ભ્રષ્ટાચાર માટે ઝિયાને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 76 વર્ષીય હસીનાએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમની સરકાર સામે ભારે વિરોધ વચ્ચે ભારત ઉડાન ભરી હતી. જીયા હાલમાં વિવિધ રોગોની સારવાર લઈ રહી છે. હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારની હકાલપટ્ટી બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના કાર્યકારી આદેશ પર ઝિયાને મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતાં.જિયા બે વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ઝિયા અને હસીના બાંગ્લાદેશમાં દાયકાઓથી રાજકીય દુશ્મનાવટમાં છે.
