નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને થોડા દિવસો પહેલા રૂહ અફઝા અંગે આપેલા નિવેદન બદલ ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવની ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને સમર્થન આપી શકાય નહીં. આ અંગે બાબા રામદેવે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે ‘અમે રૂહ અફઝા વિરુદ્ધની બધી જાહેરાતો દૂર કરીશું. 22 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલ કેસની સુનાવણી કરી રહ્યા હતા. એ દરમિયાન કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તે એવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મિડિયા પોસ્ટ નહીં કરે જેનાથી બીજા પક્ષને વાંધો આવે. બાબા રામદેવને સોગંદનામું દાખલ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી પહેલી મેએ નક્કી કરવામાં આવી છે.
જાણો શું છે મામલો?
હાલમાં જ બાબા રામદેવનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો હતો. આમાં બાબા રામદેવ અન્ય શરબત કંપનીઓ પર કટાક્ષ કરતાં અને તેમના પર ‘શરબત જેહાદ’ કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા.
પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે બાબા રામદેવે દાવો કર્યો હતો કે રૂહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે. ત્યાર બાદ બાબા રામદેવે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે મેં કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી. આ મામલે હમદર્દે બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો, જેમાં બાબા રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણીનો વિડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે 22 એપ્રિલએ ચાલી સુનાવણી કરવામાં આવી હતી.
