ઓગસ્ટની ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ અલ નિનોની અસર

નવી દિલ્હી: દેશમાં ચોમાસું ધીમું પડવાની સાથે અલ નિનોનો પ્રભાવ વધી રહ્યો છે. તેની અસર ઓગસ્ટમાં જોવા મળી, જ્યારે ઓછા વરસાદને કારણે દેશમાં ઓગસ્ટની ગરમી 125 વર્ષમાં સૌથી વધુ રહી છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર ઓગસ્ટ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 1901 પછી ચોથું સૌથી વધુ રહ્યું છે. એટલે કે છેલ્લાં 125 વર્ષમાં ઓગસ્ટનું આ ચોથું સૌથી વધુ તાપમાન છે. ખાસ કરીને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. IMDના જણાવ્યાનુસાર સામાન્ય રીતે ઓગસ્ટ ચોમાસાનો સૌથી વધુ વરસાદ અને ઠંડક ધરાવતો મહિનો હોય છે, પરંતુ આ વખતે સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં લગભગ 0.67 ડિગ્રી વધુ છે.

રાત્રિનું તાપમાન બન્યું સૌથી મોટું કારણ

ઓગસ્ટ, 2026 આટલો ગરમ રહેવાનું મુખ્ય કારણ બપોરનો તડકો નહીં, પરંતુ સૂર્યાસ્ત બાદનું વાતાવરણ રહ્યું છે. ઓગસ્ટમાં રાત્રિનું સરેરાશ લઘુતમ તાપમાન 24.36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 1901 પછી ઓગસ્ટમાં નોંધાયેલું આ સૌથી વધુ રાત્રિનું તાપમાન છે. બીજી તરફ, દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 31.66 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે અત્યાર સુધીના રેકોર્ડમાં ચોથું સૌથી વધુ છે. પૂર્વ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તર વિસ્તારોમાં રાત્રિના તાપમાને રેકોર્ડ સ્તર સ્પર્શ્યું છે.

સપ્ટેમ્બરમાં પણ ચોમાસું સુસ્ત રહેવાની આગાહી

હવામાન વિભાગનું કહેવું છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જોવા મળેલો ટ્રેન્ડ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહેશે. દેશમાં સરેરાશ કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બર, 2026 દરમિયાન દેશમાં માસિક વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના આશરે 91 ટકા રહેવાની સંભાવના છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન દેશભરમાં ચોમાસું નબળું રહેવાને કારણે 4 જૂનથી 31 ઓગસ્ટ, 2026 વચ્ચે સરેરાશ કરતાં 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ચોમાસાના વરસાદમાં પણ અસમાનતા

ઓગસ્ટમાં દેશભરમાં ચોમાસાના વરસાદમાં 16 ટકાથી વધુની ખાધ નોંધાઈ છે. વરસાદની અછત સાથે ક્યાંક ઓછો અને ક્યાંક વધુ વરસાદ પડવાને કારણે તેના વિતરણમાં પણ અસમાનતા જોવા મળી છે. વૈશ્વિક ગરમી અને મજબૂત અલ નિનોને કારણે ચોમાસા દરમિયાન તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.