એશિયન ગેમ્સઃ સુચિકા તારિયાલે MMAમાં જીત્યો ઐતિહાસિક મેડલ

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2026માં પ્રથમ વખત સામેલ કરવામાં આવેલી મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)માં ભારતે ઐતિહાસિક મેડલ જીત્યો છે. સુચિકા તારિયાલે ઇતિહાસ રચતાં એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારત માટે પ્રથમ MMA મેડલ જીત્યો છે.

મહિલાઓની 60 કિલોગ્રામ કેટેગરીની સેમી ફાઇનલમાં સુચિકાને સિંગાપોરની ટિયો હુઇ હુન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે સેમી ફાઇનલ સુધી પહોંચીને તેમણે ભારત માટે બ્રોન્ઝ મેડલ પહેલેથી જ નિશ્ચિત કરી દીધો હતો.

મુકાબલાના પ્રથમ રાઉન્ડમાં સિંગાપોરની ખેલાડીએ બાજી મારી હતી. ત્યાર બાદ સુચિકાએ જોરદાર વાપસી કરતાં બીજો રાઉન્ડ પોતાને નામે કર્યો હતો. ત્યાર પછી જજોએ એક મિનિટનો વધારાનો સમય આપ્યો હતો. અંતિમ રાઉન્ડમાં સિંગાપોરની ટિયો હુઇ હુનને વિજેતા જાહેર કરવામાં આવી. આ નિર્ણય બાદ સુચિકા આ નિર્ણયથી ખૂબ નિરાશ દેખાઈ હતી. રેફરી દ્વારા વારંવાર બોલાવવામાં આવ્યા છતાં તે આગળ જતી નહોતી. નિર્ણયથી આશ્ચર્યચકિત સુચિકા મેદાનમાં જ ભાવુક થઈને રડવા લાગી હતી. ત્યાર બાદ તેને કોચે સમજાવતાં કહ્યું હતું કે ભાગો નહીં, આગળ જાઓ. કોચની સમજાવટ બાદ સુચિકા રેફરી પાસે પહોંચી અને સિંગાપોરની ખેલાડીનો હાથ ઊંચો કરવામાં આવ્યો હતો.

કોણ છે સુચિકા તારિયાલ?

36 વર્ષીય સુચિકા તારિયાલ ભારતની અનુભવી કોમ્બેટ સ્પોર્ટ્સ ખેલાડી છે. તેણે જુડોમાં તેમ જ કુરાશમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં અને 2023 એશિયન ગેમ્સમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

હિમાંશુ ધિલ્લોને સિલ્વર, રુદ્રાક્ષ પાટીલને બ્રોન્ઝ

પુરુષોની 10 મીટર એર રાઇફલની ફાઇનલ મેચ પૂર્ણ થઈ ગઈ છે અને ભારતે તેમાં બે મેડલ પોતાને નામે કર્યા છે. હિમાંશુ ધિલ્લોને 252.4 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો, જ્યારે રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલે 230.9 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો છએ. ચીનના શેંગ લિહાઓએ 254.2 પોઈન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.