અશ્વિને હિન્દીને રાષ્ટ્ર નહીં, સત્તાવાર ભાષા કહીને નવો વિવાદ છેડ્યો

ચેન્નઈઃ હાલમાં ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેનારા ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને હિન્દી ભાષા પર ટિપ્પણી કર્યા પછી સોશિયલ મિડિયા પર એક મોટો વિવાદ ઊભો થયો છે. તેનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે હિન્દી અમારી રાષ્ટ્રીય ભાષા નથી, બલકે સત્તાવાર ભાષા છે.

ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અશ્વિને કહ્યું હતું કે હિન્દી દેશની રાષ્ટ્રભાષા નથી. અશ્વિનના આ ટિપ્પણીથી ફરી એક વાર ભાષા પર નવો વિવાદ ઊભો થયો છે અને સોશિયલ મિડિયા પર એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે, જેમાં કોઈએ રસ દાખવ્યો નહીં. આ પછી અશ્વિને કહ્યું હતું કે મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ. હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, તે એક સત્તાવાર ભાષા છે.

અશ્વિને તેની સફરમાંથી શીખેલા બોધપાઠને શેર કરતાં વિદ્યાર્થીઓને ક્યારેય હાર ન માનવા અને શંકાના સમયમાં પણ તેમના માર્ગ પર અડગ રહેવા જણાવ્યું હતું. અશ્વિને વધુમાં કહ્યું હતું કે જો કોઈ એન્જિનિયરિંગ સ્ટાફે મને કહ્યું હોત કે, હું કેપ્ટન નહીં બની શકું તો મેં વધુ મહેનત કરી હોત. તેણે વિદ્યાર્થીઓને શંકાનો સામનો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા અને દ્રઢ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેણે કહ્યું હતું કે જો તમે વિદ્યાર્થી છો, તો તમે ક્યારેય રોકાશો નહીં. જો તમે રોકશો નહીં, તો શીખવાનું બંધ થઈ જશે અને શ્રેષ્ઠતા તમારા કબાટમાં માત્ર એક શબ્દ બનીને રહી જશે.

તામિલનાડુની સત્તારૂઢ DMK સહિત કેટલાક વિરોધ પક્ષોએ કેન્દ્ર પર રાજ્યો –ખાસ કરીને દક્ષિણમાં હિન્દી લાદવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.