અસારવા નીલકંઠ મહાદેવ: શ્રાવણી અમાસનો ભવ્ય મેળો

અમદાવાદ: શહેરના ખૂબ જ પ્રાચીન અંદાજે 700 વર્ષ જૂના નીલકંઠ મહાદેવ મંદિરે 23 ઓગષ્ટને શનિવાર, શ્રાવણ માસના આ છેલ્લા દિવસે સવા લાખ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમદાવાદનો અસારવા ગામ વિસ્તાર હવે વર્ષોથી શહેરમાં મળી ગયો. અહીં અતિ પ્રાચીન સ્થાપત્યો અને મંદિર મહાદેવ આવેલા છે. અસારવાના લગભગ 700 વર્ષ જૂના સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણી અમાસનો મેળો દર વર્ષે શ્રધ્ધાથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ભક્તો દ્વારા ભગવાન શંકરને સવા લાખ બિલી પત્રો અર્પણ કરાયા.શ્રાવણની અમાસના દિવસે બપોરે 12 વાગ્યે મહા આરતી યોજાઈ‌. અહીં મેળા દરમિયાન અસારવા યુથ સર્કલ અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પાણી પરબનું તથા ઇન્ક્વાયરી ઓફિસનું આયોજન કરવામાં આવ્યું. અસારવા નીલકંઠ મહાદેવ આશરે 700 વર્ષ પહેલાં સ્વામી હિરાપુરીજી મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.આ મહારાજ લુણાવાડાના મનોહરનાથગિરીજી મહારાજના શિષ્ય હતા. મનોહરનાથગિરીજી મહારાજે એમને ભભૂતિનો ગોળો તથા અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા આપી હતી. એ લઇને હિરાપુરીજી મહારાજ અમદાવાદ આવ્યા અને અસારવા ગામે કનૈરા વૃક્ષ નીચે ચૈતન્ય ધૂણી સ્થાપી તપસ્યા કરી હતી.એ સમયે સત્પુરુષ બેહચરદાસ મણકીવાળાએ મહારાજની પ્રેરણાથી નીલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયથી આજ સુધી દર વર્ષની જેમ આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)