ફાર્બસ ગુજરાતી સભા ‘વ્યાપન પ્રકલ્પ’ દ્વારા ૨૯થી ૩૧ માર્ચ દરમ્યાન ‘સમકાલીન ભારતીય સાહિત્ય : આચમન, આસ્વાદ, વિમર્શ’ સાહિત્ય પર્વનું ઉત્તમ આયોજન સુવિખ્યાત સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર દ્વારા આકારિત થવાનું છે. ભારતના ઉત્તમ સર્જકો આ ત્રણ દિવસ દરમ્યાન પોતાના સર્જન વિશે સાહિત્ય પર અસર કરતા પ્રભાવક બળોની વચ્ચે પણ સાચા સાહિત્યને કઈ રીતે ટકાવવું એ વિશે, ભાવકની કેળવણી જેવા અત્યંત જરૂરી મુદ્દા પર સઘન ચર્ચા કરશે. આ સાથે ગુજરાતી અને ભારતીય ભાષામાં કવિતાનું પઠન, રંગભૂમિનો રોચક ઈતિહાસ અને રસપ્રદ વળાંકો વિષે બેઠકો આયોજિત કરાઈ છે.
સમૂહમાધ્યમની ભાષા વિષે ૨૯મી તારીખે આયોજિત સત્રમાં ‘સમૂહમાધ્યમોની ભાષાની નેમઃ સંમોહન, સંગઠન કે સંવેદન?’ આ વિષય પર જન્મભૂમિ ગ્રુપના ચીફ એડિટર કુન્દનભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સત્ર રહેશે. ત્યાર બાદ ઉડિયા સર્જક પ્રતિભા રાય સાથે ગોષ્ઠી કરાશે. મુંબઈના સાહિત્ય રસિકો, હાજર રહેનાર સાહિત્ય પ્રેમીઓ અને સહુ માટે ૨૯ મી તારીખે સાંજે ૪.૩૦ વાગ્યાથી બી.સી.એ. સભાગૃહ, ભારતીય વિદ્યાભવનનું અંધેરીનું પ્રાંગણ સાહિત્યના પર્વ માટે તૈયાર રહેશે. શુક્રવારે સાહિત્ય રસિકો બી.સી.એ. સભાગૃહમાં આવશે. શનિવારે ૩૦ માર્ચે સવારે ૧૦ વાગે એસ. પી. જૈન ઓડીટોરીયમમાં ઉદઘાટન બેઠકમાં ત્રણ દિવસના અતિથિ વિશેષો ગુલઝાર, પ્રતિભા રાય, માધવ કૌશિક, અરુણ કમલ, ચંદ્રકાન્ત પાટીલ અને વસંત ડહાકેની અભિવંદના કરવામાં આવશે.
ઉદય મઝુમદારના કંઠે ગીત, માધવ કૌશિકનો સર્જક સંવાદ ‘સચ લિખના આસાન નહિ’,ત્યારબાદ ‘સાહિત્ય અને વિવિધ સત્તાઓ : ના કાહૂ સે દોસ્તી ના કાહૂ સે બૈર’ ગોળમેજી સંગોષ્ઠી, ગુજરાતી કવિ સંમેલન અને અતુલ ડોડિયાના ચિત્રોના સ્લાઈડ શોનું આયોજન કરાયું છે. આ દિવસના સર્વ કાર્યક્રમો સાંજે ૭.૩૦ વાગે પૂરા થશે. ત્યારબાદ ૩૧મી તારીખે રવિવારે સવારે ૧૦ વાગે સરિતા જોષી મારાં મનગમતાં નાટકોના પાત્રો અને એમની ભાષા પર પ્રસ્તુતિ કરશે. ૧૦.૩૦ વાગ્યાથી આપણી રંગભૂમિનું આજનું અર્ધશતક -એક અંતરખોજ, વિષય પર ગોષ્ઠિનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં પ્રતિભા રાય અને માધવ કૌશિકના વ્યાખ્યાનો જેમ આકર્ષણનું કેન્દ્ર છે બહુભાષી કવિતાનું પઠન અને ત્યારબાદ કવિ ગુલઝારનો કાવ્ય પાઠ અને તેમનું બળવંતરાય પારેખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન.
આજના સાહિત્ય માધ્યમોની ભાષાથી લઇ સાહિત્યના સર્જનાત્મક અનેકોનેક પરિમાણો વિષે પરિસંવાદમાં ચર્ચાઓ થશે. આપણી ભાષાના ઉત્તમ સર્જક તરીકે આપણે સહુ સિતાંશુ યશશ્ચંદ્રને ઓળખીએ જ છીએ પણ આ આયોજન દ્વારા તેઓએ સાહિત્ય વિશ્વમાં સમજણની અનોખી ભૂમિકા રચવાનો પ્રયત્ન કર્યો છે, તે કાબિલેદાદ છે. સિતાંશુભાઈએ દરેક બેઠક પાછળની ભૂમિકા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું છે કે ‘સાહિત્ય અંગે આપણે ગંભીરતાથી આજે નહિ વિચારીએ તો ક્યારે વિચારશું ? ૨૯ માર્ચના સમૂહ માધ્યમ અંગેની બેઠકમાં દૈનિકો જ નહીં, વિજાણુ અને વિદ્યુત માધ્યમો તેમ જ રાજકીય, ધાર્મિક અને અન્ય નેતાઓની જંગી સભાઓમાં પ્રયોજાતી ભાષા વિશે તટસ્થ, નિર્ભય અને તર્કશુદ્ધ ચર્ચા, એક કલાક થાય એ આ બેઠકનું સ્વરૂપ હોવું જોઈએ અને ભાવકો અને વક્તા વચ્ચે એક ગોષ્ઠિ થાય અને સહુ એ સાંભળે અંતરંગ વાતો સહુ કરે અને એ જ રીતે બધી બેઠકો પાછળ તેમણે સ્પષ્ટતા આપી છે.
મુંબઈમાં ‘ન ભૂતો ન ભવિષ્ય’ જેવો સાહિત્યનો અવસર ગણી શકાય એવા આ પ્રસંગે બધા જ સાહિત્યકારો ત્રણેય દિવસ ઉપસ્થિત રહેવાના છે. ફાર્બસ ગુજરાતી સભાની વ્યાપન પર્વ નિમિત્તે ત્રણ દિવસીય આ પરિસંવાદ માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં પણ ભારતીય સાહિત્યજગતમાં સિમાચિહ્ન બની રહેશે. ઈચ્છુક વ્યક્તિ પોતાનું નામ ફોન નંબર : ૮૩૬૯૭૯૫૯૩પર નોંધાવી શકે છે. બન્ને દિવસના ભોજન માટે રૂપિયા ૧૫૦ ભરવાના રહેશે.