મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે અંબાણી પરિવારના સભ્યો તેમના ખાસ મહેમાનોને કંકોતરી આપવામાં વ્યસ્ત છે. તાજેતરમાં, મુકેશ અંબાણી પોતે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા. જ્યારે નીતા અંબાણી બાબા વિશ્વનાથને તેમના પુત્રના લગ્ન માટે પહેલું આમંત્રણ આપવા ગયા હતા. તો બીજી બાજુ વરરાજા પોતે એટલે કે અનંત અંબાણી પણ મહેમાનોને આમંત્રણ આપવામાં લાગી ગયા છે.
અનંત અંબાણી અક્ષયને લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યા
હાલમાં જ અનંત અંબાણી બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનને તેમના લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા અને હવે તેઓ બોલિવૂડના અન્ય સુપરસ્ટારના ઘરે પહોંચ્યા છે. અનંત અંબાણી વ્યક્તિગત રીતે સુપરસ્ટાર અક્ષય કુમારના ઘરે તેમને તેમના લગ્નમાં આમંત્રણ આપવા ગયા હતા. બુધવારે રાત્રે અનંત અક્ષય કુમારના જુહુના ઘરે તેની રોલ્સ રોયસમાં દેખાયા હતાં.
અનંત અંબાણી સુરક્ષા સાથે અક્ષય કુમારના ઘરે પહોંચ્યા
આ દરમિયાન અનંત અંબાણી કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતાં. ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી પાપારાઝી એકાઉન્ટ વૂમપ્લા દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, અનંતને અક્ષયના ઘરની બહાર જોઈ શકાય છે, જ્યાં તે બધાને શુભેચ્છા પણ પાઠવે છે. આ દરમિયાન તેણે ફ્લોરલ પ્રિન્ટનો કુર્તો પહેર્યો હતો. અક્ષય જ નહીં, અનંત અંબાણી પોતે અજય દેવગન-કાજોલને પણ તેમના લગ્નની કંકોતરી આપી ભાવભર્યુ આમંત્રણ આપવા ગયા હતાં. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, તેથી અંબાણી પરિવાર આ લગ્નની તૈયારીમાં જોરશોરથી વ્યસ્ત છે.
રાધિકા-અનંતના લગ્નનું કાર્ડ ચર્ચામાં
આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્નનું કાર્ડ પણ ચર્ચામાં છે. તાજેતરમાં કપલના લગ્નના કાર્ડનો વીડિયો સામે આવ્યો છે, જે એકદમ અદભૂત છે. અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ અલમારીના આકારમાં બનાવવામાં આવ્યું છે, જેવું એ કાર્ડ ખોલીએ તો સૌથી પહેલા ભગવાનના દર્શન થાય છે. કાર્ડ ખોલવા પર એક ચાંદીનું મંદિર દેખાય છે, તેની આસપાસ ભગવાનની મૂર્તિઓ છે. કાર્ડમાં અલગ-અલગ ભગવાન ઉપરાંત લગ્નની ઉજવણીની વિગતો લખેલી છે. એમ્બ્રોઇડરી કરેલો રૂમાલ અને અનંત અને રાધિકાના નામના આદ્યાક્ષરો સાથેનો દુપટ્ટો પણ તેમાં રાખવામાં આવ્યો છે.