અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા… ના-ના, હવે માત્ર ભારતના લોકો જ નહીં પણ અમેરિકાના લોકો પણ આ ગીત ગાશે, કારણ કે હવે અમેરિકા પણ આનંદથી અમૂલ બ્રાન્ડનું દૂધ પીશે. આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પણ નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે. અમૂલ બ્રાન્ડ, જે ભારતમાં દરરોજ લાખો લિટર તાજા દૂધનો સપ્લાય કરે છે, તે હવે અમેરિકામાં પણ તેની શક્તિનું પ્રદર્શન કરશે. અમૂલ બ્રાન્ડ અહીં તાજા દૂધના સેગમેન્ટમાં કામ કરશે.
108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની 108 વર્ષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન’ સાથે કરાર કર્યો છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ બ્રાન્ડની તાજા દૂધની શ્રેણી ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં લોન્ચ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયની મોટી વસ્તી છે.