ટેરિફ લગાવીને અમેરિકા ભારતને ડરાવે નહિઃ ટ્રમ્પને રશિયાની ચેતવણી

મોસ્કોઃ રશિયાએ ટ્રમ્પના ટેરિફની આકરી ટીકા કરી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગે લાવરોફે ભારત પર લાગેલા અમેરિકન ટેરિફને અન્યાયપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓને ધમકીઓ અને અલ્ટિમેટમથી ડરાવી નથી શકાતી.

ટ્રમ્પની કાર્યવાહી અન્યાયપૂર્ણ: રશિયાતેમણે કહ્યું હતું કે ટ્રમ્પની નીતિઓને કારણે અનેક દેશોને નવાં ઊર્જા બજારો અને સંસાધનો શોધવા માટે મજબૂર થવું પડી રહ્યું છે અને તેમને વધારે કિંમતે ખરીદી કરવી પડી રહી છે. ટ્રમ્પની ખોટી નીતિઓને કારણે ભારત અને ચીન અમેરિકાથી દૂર જઈ રહ્યા છે. ભારત સામે કરવામાં આવેલી કાર્યવાહી વિદેશ મંત્રીએ અયોગ્ય, અન્યાયપૂર્ણ અને અવ્યવહારુ ગણાવી છે.

અમેરિકાના પ્રતિબંધોથી રશિયાને ડર નથી: સર્ગે લાવરોફ

અમેરિકા દ્વારા રશિયા પર મૂકાયેલા પ્રતિબંધોની ધમકીઓ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે આ કોઈ મોટી સમસ્યા નથી. તેમણે કહ્યું હતું કે સાચું કહું તો રશિયા પર મુકાયેલા નવા પ્રતિબંધોમાં મને કોઈ સમસ્યા દેખાતી નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન રશિયા પર અભૂતપૂર્વ પ્રમાણમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.

થોડા દિવસો પહેલા રશિયન તેલની ખરીદીના મુદ્દે ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે રશિયાથી તેલ ખરીદી કરીને ભારત યુક્રેન યુદ્ધમાં તેની મદદ કરી રહ્યું છે. જોકે ભારતે અમેરિકાના આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અમે કોઈ પણ દેશની રાજકીય પ્રવૃત્તિઓમાં હસ્તક્ષેપ કરતા નથી. એ સાથે જ ભારત રાષ્ટ્રહિત સાથે કોઈ સમજૂતી નહીં કરે.