અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “રમણભાઈ પટેલ- AMA શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫ એનાયત સમારોહ” અને વિશેષ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રખ્યાત કેળવણીકાર, દાર્શનિક માર્ગદર્શક અને જીવન વિદ્યા પ્રબોધક સોમ ત્યાગીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે “મૂલ્ય શિક્ષણ: શિક્ષકની જવાબદારી” વિષય પર પોતાનું પ્રેરણાદાયી વ્યાખ્યાન આપતા સમાજ નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મુક્યો હતો.
સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ લીંબડી મોડેલ સ્કૂલના વર્દા પ્રતિકકુમાર રાવલ અને વડોદરાની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલના ડૉ. દીપક મહાકુલને ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં દાયકાઓથી અમૂલ્ય સેવાઓ અને યોગદાન આપનારા ચાર સુપ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો— સંજય ચક્રવર્તી, સ્વપ્ના સાંઈ, અંકિત મજમુદાર અને ફ્રાન્સિસ લોબોનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાના હેતુથી “રમણભાઈ પટેલ- AMA સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એજ્યુકેશન”ની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૩થી કાર્યરત આ સેન્ટર દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનારા શ્રેષ્ઠ શિક્ષકોને બહુમાનિત કરી પ્રોત્સાહિત કરે છે.




