અલ્કારેઝે સિન્નરને હરાવી જીતી US ઓપન 2025ની ટ્રોફી

નવી દિલ્હીઃ સ્પેનના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારેઝે યુએસ ઓપન 2025નો પુરુષ સિંગલ્સ ખિતાબ જીતી લીધો છે. સોમવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં તેણે પોતાના સૌથી મોટા પ્રતિસ્પર્ધી યાનિક સિન્નરને ચાર સેટના જોરદાર મુકાબલામાં 6-2, 3-6, 6-1, 6-4થી હરાવ્યો છે. આ જીત સાથે અલ્કારેઝે માત્ર પોતાનો છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો જ નહીં, પરંતુ તે વિશ્વનો નંબર એક ખેલાડી પણ બની ગયો છે.

અલ્કારેઝનો દબદબો

આ મુકાબલાની શરૂઆતથી જ અલ્કારેઝે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પ્રથમ ગેમમાં જ તેણે સિન્નરની સર્વિસ તોડી અને પહેલો સેટ 6-2થી સહેલાઈથી જીતી લીધો. જોકે, બીજા સેટમાં સિન્નરે જોરદાર વાપસી કરી હતી અને અલ્કારેઝની સર્વિસ તોડી 6-3થી સેટ પોતાને નામે કર્યો હતો, પરંતુ ત્રીજા સેટમાં અલ્કારેઝ ફરી વળ્યો અને સિન્નરને ખરાબ રીતે હરાવી 6-1થી સેટ જીતી લીધો. સિન્નર કંઇક રીતે પોતાની સર્વિસ બચાવી શક્યો હતો 0થી હાર થવાથી બચી ગયો હતો. ચોથા અને અંતિમ સેટમાં પણ અલ્કારેઝે સિન્નરને તક આપી નહીં અને તેની સર્વિસ તોડી લીડ મેળવી હતી. અંતે એક ‘એસ’ (Ace) સાથે મુકાબલો પૂરો કર્યો અને પોતાની શાનદાર જીત સુનિશ્ચિત કરી હતી.

એક વર્ષમાં ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ

અલ્કારેઝ અને સિન્નર – બંનેને ટેનિસનું ભવિષ્ય માનવામાં આવે છે. આ વર્ષમાં ત્રીજી વાર બંને ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં આમનેસામને આવ્યા હતા. આ સીઝનમાં તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ ખિતાબો આ બંને વચ્ચે જ વહેંચાયા છે. સિન્નરે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડન જીત્યા, જ્યારે અલ્કારેઝે ફ્રેન્ચ ઓપન અને હવે US ઓપન પોતાને નામે કર્યા છે.