અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનારા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવી દીધા છે. હવે તથ્ય પટેલે જેલમાં જ રહેવું પડશે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, અગાઉની સુનાવણીમાં કોર્ટમાં ત્રણેય પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી.જેથી તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજૂર કરી દીધી છે. તથ્યના વકીલે ગત સુનાવણીમાં સલમાન ખાનના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.જ્યારે મૃતક પરિવારજનના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
તથ્ય પટેલનના વકીલે ગત સુનાવણીમાં કરી હતી આ દલીલ
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં ગત સુનાવણીમાં તથ્ય પટેલનના વકીલે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી, પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો પ્રાપ્ત થાય છે. પરંતુ ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય.
વકીલે કહ્યું -ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં
વધુમાં તથ્યના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે,તથ્યનો હેતુ કોઈને મારવાનો નહોતો, જેથી ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્યના વકીલે કહ્યું હતું કે,પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે.આ આકસ્મિત ઘટના બની છે જેથી તથ્યને જામીન આપવા જોઈએ.
તથ્યના પિતાના જામીન પણ કોર્ટે નામંજૂર કર્યા હતા
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન પણ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા હતા. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે જામીન માંગ્યા હતા.પરંતુ તેને જામીન મળ્યા ન હતા , તથ્યકાંડ કેસમાં તથ્ય પટેલના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બીમારી સહિતના કારણો આગળ ધરી જામીન આપવા હાઇકોર્ટને વિનંતી કરી છે.