અમદાવાદમાં ત્રણ દિવસીય પોલો ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ગુજરાતમાં પોલોની શાહી પરંપરાને ફરી જીવંત અને પ્રચલિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલો ક્લબ દ્વારા 2 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ ભવ્ય સ્પર્ધા અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત થઈ રહી છે, જેમાં દેશની ટોચની પોલો ટીમો ભાગ લેશે અને પ્રેક્ષકોને રોમાંચક રમતગમતનો અનોખો અનુભવ મળશે.

આ ટુર્નામેન્ટ માત્ર એક રમતગમત ઇવેન્ટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને રમત, સંસ્કૃતિ અને વારસાની ઉજવણી તરીકે રજૂ કરવામાં આવી રહી છે. પોલોને પશ્ચિમ ભારતના એક વાર્ષિક પ્રીમિયર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે સ્થાપિત કરવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઇવેન્ટ દરમિયાન હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, પરિવારમિત્ર દર્શક ઝોન અને યુવા દર્શકો માટે ખાસ જોડાણ પ્રવૃત્તિઓ પણ યોજાશે. 2 અને 3 જાન્યુઆરીએ દરરોજ ત્રણ મેચ રમાશે, જ્યારે 4 જાન્યુઆરીએ ફાઈનલ દિવસના ભાગરૂપે બે મેચ યોજાશે.

આ પ્રીમિયર ટુર્નામેન્ટમાં પુરુષોની છ અને મહિલાઓની બે ટીમો ભાગ લેશે. પુરુષોની ટીમોમાં અદાણી આર્ચર્સ, જિંદાલ પેન્થર્સ, કેપી કિંગ્સ, મેફેર પોલો, એરોન અવતાર્સ અને બુરાકિયા બેરન્સનો સમાવેશ થાય છે, જ્યારે મહિલાઓની કેટેગરીમાં એપોલો એવિયેટર્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ વચ્ચે સ્પર્ધા થશે. તમામ ટીમોનું અનાવરણ અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે પોલો ભારતની શાહી વારસાની ઓળખ છે અને ગુજરાત પાસે આ વારસાને ફરીથી અનુભવવાની તમામ ક્ષમતા છે. ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ દ્વારા ભારત અને પોલો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કરવાનો અને રમતના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ટુર્નામેન્ટને માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ પ્રદેશ માટે લાંબાગાળાનો સાંસ્કૃતિક અને સ્પોર્ટિંગ માઇલસ્ટોન બનાવવાનો હેતુ છે.

ગુજરાત પોલો ક્લબના બીજા પ્રમોટર સંજય પલાડિયાએ જણાવ્યું હતું કે પોલો માત્ર રમત નથી પરંતુ જીવંત પરંપરા છે, જેને સતત આગળ વધારવાની જરૂર છે. અમદાવાદની મજબૂત રમતગમત સંસ્કૃતિ, ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતો ઘોડેસવાર સમુદાય આ શહેરને આવા આંતરરાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટ માટે સ્વાભાવિક કેન્દ્ર બનાવે છે. આધુનિક અને વિશ્વ-સ્તરીય અનુભવ સાથે પોલોના વારસાને જીવંત રાખવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ગોહિલવાડ પોલો ક્લબના સ્થાપક અને ગુજરાતના એકમાત્ર વ્યાવસાયિક પોલો ખેલાડી જયવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં 30થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 25 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં પોતાનું પ્રતિભાશાળી પ્રદર્શન કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણેય દિવસ દર્શકોને અત્યંત સ્પર્ધાત્મક અને રોમાંચક મેચો જોવા મળશે અને આ ઇવેન્ટ પોલોને ગુજરાત તથા ભારતમાં વ્યાવસાયિક રમત તરીકે વધુ લોકપ્રિય બનાવશે.

ટુર્નામેન્ટની શરૂઆત 2 જાન્યુઆરીએ શાનદાર ઔપચારિક પરેડથી થશે, જેમાં તમામ પોલો ટીમો ઘોડા પર સવાર થઈ ટીમ અને સ્પોન્સરના ધ્વજ સાથે ભાગ લેશે. ઉદ્ઘાટન સમારોહમાં 80 ડાન્સરો દ્વારા ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે તેમજ ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’માં પ્રદર્શન કરી ચૂકેલા વોરિયર સ્ક્વોડ દ્વારા વિશેષ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવશે.

ત્રણેય દિવસ દરમિયાન મનોરંજનની સાથે રમતગમતનું અનોખું સંયોજન જોવા મળશે. બીજા દિવસે બોલીવુડ ડાન્સ પરફોર્મન્સ અને વિશ્વપ્રસિદ્ધ એક્રોબેટિક ડાન્સ ક્રૂ ‘વી અનબીટેબલ’ દ્વારા રોમાંચક સ્ટન્ટ્સ રજૂ કરવામાં આવશે. ત્રીજા દિવસે મલ્લખંભા પ્રદર્શન અને અંતે રંગબેરંગી ડ્રોન એક્ટ સાથે ભવ્ય ફિનાલે યોજાશે. સમાપન સમારોહમાં લેસર શો, લાઇટ કોરિયોગ્રાફી અને શાનદાર આતશબાજી બાદ વિજેતાઓને ખાસ ડિઝાઇન કરેલા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવશે.

અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ‘ધ કિંગ ઓફ ગેમ્સ’ તરીકે ઓળખાતી પોલોની રમતને પુનર્જીવિત કરવાનો અને વારસા, સંસ્કૃતિ તથા રમતગમતને જોડતી એક નવી વાર્ષિક પરંપરા સ્થાપિત કરવાનો છે.