અમદાવાદઃ શહેરમાં પહેલીવાર પોલો કપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સિંધુ ભવન રોડ પર પોલો કપની જાગૃતિ માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 3000થી વધુ વર્ષ જૂની રમત પોલોની ખ્યાતિ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં વિન્ટેજ કાર, બાઇક્સ અને મોટી સંખ્યામાં ઘોડાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ રોડ શોની પરેડમાં વિદેશી ઘોડાઓએ પણ ભાગ લીધો હતો.
અમદાવાદમાં પહેલીવાર પોલો કપનું આયોજન કરવામાં આવ્યું છે. હવેથી દરવર્ષે આ આયોજન કરવામાં આવશે. આ વર્ષે 4 ટીમે ભાગ લીધો છે. ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે આયોજન કરવામાં આવશે. નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સને જ તેમાં ભાગ લેવાની મંજૂરી મળે છે. આર્જેન્ટિનાના બે ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સિવાય દિલ્હી, કોલકાતા, રાજસ્થાન, ગુજરાતની ટીમોએ ભાગ લીધો છે. પોલો કપમાં વિનર્સ માટે ટ્રોફી અને 2 લાખની ઇનામી રકમ આપવામાં આવે છે.
પોલો કપમાં 50 જેટલી હાર્લી ડેવિલસન બાઇક, 20 વિન્ટેજ કાર, 50 ઘોડા સહિત 50 જેટલી લક્ઝુરિયસ કારે ભાગ લીધો છે. અંદાજે પરેડમાં 400 જેટલા લોકોએ ભાગ લીધો છે. આર્જેન્ટિના, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હીથી પણ ઘોડા લાવવામાં આવ્યા છે.
